મૂર્ખતા@પાટણ: હાઇવેની હરિયાળીમાં કરી લાલિયાવાડી, છોડનો વિકાસ નહોતો થવાનો છતાં બેફામ ખર્ચ કર્યો, હવે થયું બ્રહ્મજ્ઞાન
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાટણ જિલ્લામાં માર્ગમકાન વિભાગની ચોંકાવનારી લાલિયાવાડી અથવા તો ઈરાદાપૂર્વકની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. કરોડોના ખર્ચે હારિજ-પાટણ હાઇવે બનાવ્યો અને તેમાં હરિયાળી કરવા ડિવાઇડરની વચ્ચે લીલાછમ રોપા લગાવી દીધા હતા. જોકે ગણતરીના મહિનાઓમાં રોપાનું બાળમરણ થતાં જે કારણ સામે આવ્યું તે ચોંકાવનારું આવ્યું છે. ડિવાઇડરની અંદરનાં ભાગમાં નીચે પથ્થર હોવાથી હજારો છોડવાઓનો વિકાસ થવાનો નહોતો, જો છોડનો વિકાસ નહોતો થવાનો તો ખર્ચ કેમ કર્યો ? જો વિકાસ કરવો હતો તો પછી હજારો છોડનું બાળમરણ કેમ થવા દીધું? આ બાબતે પાટણ માર્ગ મકાન (સ્ટેટ) વિભાગના કાર્યપાલક ઇજનેરને પૂછતાં જે જવાબ આપ્યો તે તત્કાલીન જવાબદારો ઉપર મોટી ટિપ્પણી સમાન આવ્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ....
પાટણથી હારીજ તરફ જતો હાઇવે કેટલાક વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો, જોકે અગાઉનો હાઇવે બરાબર ના હોવાથી નવીન હાઇવે ઉચ્ચ કક્ષાનો બનાવવાની દોડધામ થઇ હતી. જોકે હાઇવે બની ગયા બાદ એક મોટો ઘટસ્ફોટ થયો છે. હાઇવે વચ્ચેના ડીવાઈડરમાં રોપવામાં આવેલા છોડ(રોપા)ના ખર્ચમાં બેદરકારી કે ભ્રષ્ટાચાર કે પછી ફરજમાં નિષ્કાળજીનો કિસ્સો સ્પષ્ટ રીતે પકડાઇ ગયો છે. ડિવાઇડરની અંદરનાં ભાગમાં નીચે કોંક્રિટ હોવાથી છોડનો વિકાસ જ થયો નહિ અને ગણતરીના મહિનાઓમાં તમામ છોડ સુકાઈ ગયા છે. હાઇવે પરની હરિયાળીમાં કોણે, કેવી રીતે અને કેમ લાલિયાવાડી કરી તે પણ જાણીએ. હવે સમજો કે ડિવાઇડરની અંદર છોડનો ઉછેર કરી તેનો વિકાસ કરી હરિયાળી કરવી હોય તો સ્થળ ચકાસણી, પૂર્વ પ્લાનિંગ સહિતની તૈયારીઓ કરવાની આવે તે સ્વાભાવિક છે. જોકે આ હાઈવેમાં આવી કોઈ કામગીરી પાટણ માર્ગ મકાન વિભાગના ઈજનેરોએ કરી નહિ કે નહિ કરાવીને બેફામ ખર્ચ પાડવા છોડ રોપી દીધા હતા. પછી બ્રહ્મજ્ઞાન થયું કે, નીચે કોંક્રિટ હોવાથી છોડનો વિકાસ થવાનો નથી એટલે હવે બધા છોડને મરણપથારીએ જવા દીધા.
સમગ્ર મામલે પાટણ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર રાઠોડભાઇએ જણાવ્યું હતું કે, નીચે પથ્થર હોવાથી છોડ ઉગે નહિ પરંતુ જે તે વખતે રોપી દીધા હોવાથી હવે તેમાં કંઈ કરવાનું નથી. જે તે વખતે કેમ ખબર ના પડી તેવો સવાલ કર્યો તો કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, કોઈ છોકરાને પૂછો કે, તારા બાપમાં કેમ બુદ્ધિ નથી તો એનો કોઈ જવાબ હોય? તેવું છે. હવે આ રાઠોડભાઇનુ ઉદાહરણ પણ જેતે વખતના ઈજનેરોની ફરજમાં ગફલત કે બુદ્ધિ ક્ષમતા ઉપર મોટી ટિપ્પણી કરે છે ? તે સમજવા જેવું છે.
શું પાણીનો મસમોટો ખર્ચ પાડ્યો હશે ?
હાઇવે પરના ડીવાઈડરમાં અનેક છોડના બાળમરણ મામલે એક મોટો સવાલ પણ ઉભો થયો છે કે, છોડનો વિકાસ નહોતો થવાનો તો શું લાંબા સમય સુધી પાણીનો ખર્ચ પાડ્યો હશે ? છોડના વિકાસ, નિભાવ કે રખરખાવ પાછળ કેટલો ખર્ચ કર્યો હશે તે પણ તપાસનો વિષય છે.