ગંભીર@નર્મદા: આજેપણ અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવી કાર્યવાહી થાય? ટીડીઓનો વહીવટ જાણી ચોંકી જશો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નર્મદા જિલ્લામાં પંચાયતની યોજનાકીય કામગીરી બાબતે જવાબદારી અને કાર્યવાહીના એવા સમાચાર સામે આવ્યા કે, વાર્તાના ગંડુ રાજાનો વહીવટ યાદ કરાવે છે. મનરેગા કામની તપાસ દરમ્યાન ચૂકવણા મામલે પ્રશ્નો ઉભા છતાં ટીડીઓએ જે પત્ર વ્યવહાર કર્યો તે ચોંકાવનારો અને સમજણ વિશે ગંભીર સવાલો ઉભા કરે તેવો છે. તાલુકા વિકાસ અધિકારી જણાવે છે કે, કામગીરી બરાબર નહોતી છતાં ચૂકવણાની કામગીરી કરનાર કર્મચારીઓને નોટીસ આપી. હવે નોટીસ સામે કર્મચારીઓ જવાબ આપે છે કે, જિલ્લાના કર્મચારી વારંવાર ફોન કરતાં એટલે ચૂકવણાની કામગીરી કરી. આ જવાબ જોઈ ટીડીઓ વલણ બદલીને બધો દોષનો ટોપલો જિલ્લાના કરાર આધારિત કર્મચારી ઉપર ઢોળી દે છે. હવે અહીં સવાલ એ થાય કે, સરકારમાં વહીવટ શું ફોનમાં થાય છે કે લેખિતમાં? એક કર્મચારીને તેના સાહેબ ફોનમાં ખોટું કરવાનું કહે તો કરી દેવાનું? કરી દીધા પછી જવાબદારી ખોટું કહેવાવાળાની? હવે આ ગંડુ રાજા જેવું કેવી રીતે થયું તેનો ઘટસ્ફોટ કરતો સ્પેશ્યિલ રીપોર્ટ અને સાથે કોણ અને કેમ આવું કરાવ્યું તે પણ સમજીએ.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા પંચાયતમાં મનરેગાની કામગીરી બાબતે નોટીસ, ખુલાસા, વડી કચેરીને પત્ર અને ફરીથી નોટીસ સહિતની વિગતો સામે આવતાં આંખો પહોળી થઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે. આટલું જ નહિ, સમગ્ર પત્રવ્યવહારનો અભ્યાસ કર્યા બાદ રીતસર વાર્તામાં આવતાં અંધેરી નગરીમાં ગંડુ રાજાનો વહીવટ યાદ આવે તેમ છે. ઘટનાક્રમ જાણીને એ પણ સવાલ થશે કે, ક્લાસ વન અને ટુ કક્ષાના અધિકારી પણ આવો નિર્ણય/વહીવટ કરી શકે? નર્મદા જિલ્લાના સાગબારા સહિતના તાલુકામાં વર્ષ 2022-23 માં મનરેગા યોજના હેઠળ પ્લાન્ટેશનના કામો થયા હતા. કરોડોની કિંમતના આ કામ માટે જિલ્લા કક્ષાએથી ટેન્ડર કરી એજન્સીને કામ સોંપ્યું હતુ. આ પછી ઠેકેદારે કામ પૂર્ણ હોવાનું જણાવી બીલો મૂકી પેમેન્ટની માંગણી મૂકી. હવે સાગબારા તાલુકા પંચાયતમાં બીલો બાબતે સુચના આવતાં હાલના ટીડીઓ ઉપેન્દ્રભાઇએ કામોની તપાસ કરાવી હતી. ટીડીઓની તપાસમાં આવ્યું કે, પ્લાન્ટેશનના કામમાં ઠેકેદારની બેદરકારી તેમજ રોપાની ગુણવત્તાનો અભાવ છે. આથી ટીડીઓ ઉપેન્દ્રભાઇએ સાગબારા તાલુકાની મનરેગા ટીમને કારણદર્શક નોટીસ આપી. હવે અહીંથી શરૂ થાય છે ચોંકાવનારો પત્રવ્યવહાર. વાંચો નીચેના ફકરામાં.
સાગબારા ટીડીઓની નોટીસ સામે કરાર આધારિત સહિતના કર્મચારીઓએ ખુલાસો આપ્યો કે, ઠેકેદારને અમારે તો કોઈ ચૂકવણાની કામગીરી નહોતી કરવી પરંતુ જિલ્લામાંથી ડીડીપીસી ફોન કરી કરીને પજવણી કરતાં હતા એટલે બાકી અમારી કોઈ ભૂલ નથી. હવે આવો જવાબ જોઈ ટીડીઓ પણ વિચારવા લાગ્યા કે, જવાબ તો સાચો છે, આ લોકોની ભૂલ નથી. એટલે ટીડીઓએ વલણ બદલીને નવો પત્રવ્યવહાર નિયામક જાદવને કર્યો કે, સાગબારા તાલુકામાં મનરેગા હેઠળના પ્લાન્ટેશનમા તપાસ કરતાં ગેરરીતિ આવી પરંતુ તેના બાબતે અમારા કર્મચારીઓને વારંવાર ફોન કરતાં ડીડીપીસી જવાબદાર છે એટલે તેમની સામે કાર્યવાહી કરો. વાત આટલે અટકતી નથી, ટીડીઓની આવી ચોંકાવનારી ભૂમિકા બાદ નિયામક જાદવે પણ સંદર્ભ લઈ ડીડીપીસીને નોટીસ ફટકારી દીધી કે, વારંવાર ફોન કરી પ્લાન્ટેશનના કામનું ચૂકવણું કરવા દબાણ કેમ કરાવ્યું, ખુલાસો આપો. હવે સમગ્ર ઘટનાક્રમથી સાગબારા ટીડીઓ અને નિયામક જાદવના વહીવટ વિરુદ્ધ ગંભીર સવાલો ઉભા થયા છે.
સાગબારા તાલુકા પંચાયતમાં મૌખિક આધારે વહીવટ ચાલે છે ?
મનરેગાના કરાર આધારિત કર્મચારીઓ કહે, ફોનમાં અમોને વારંવાર જિલ્લામાંથી કહેતા એટલે અમે ફલાણો વહીવટ કર્યો. એટલે શું જિલ્લામાંથી ફોનમાં સુચના આવે એટલે કંઈપણ જોયા, જાણ્યાં, સમજ્યાં વગર કરી દેવાનું અને પછી જવાબદારીની વાત આવે એટલે ફોનવાળાનુ નામ? આ તો એવું થયું કે, ફલાણાં સાહેબે ખોટું કરવાની મૌખિક સુચના આપી એટલે અમે કર્યું નહિ તો અમે ના કરતાં.
આગ બીજી કારણ બીજું, કોલાહલ ત્રીજો
આ મામલો સાગબારાના પ્લાન્ટેશનમા કથિત ભ્રષ્ટાચાર પૂરતો નથી. આ પત્રવ્યવહાર જોઈ ઘડીભર એવું લાગે કે, ચૂકવણા બાબતે સાગબારા તાલુકામાં કડકાઇ છે. હકીકતમાં આગ બીજી છે અને કારણ બીજું કરીને શિકાર ત્રીજો કરીને છૂપો ઈરાદો પાર પાડવાની ગતિવિધિ છે. નર્મદા જિલ્લામાં ક્યાં અને કેટલો અને કોના થકી ભ્રષ્ટાચાર છે કે કેમ? આ બાબતનો સ્પેશિયલ અહેવાલ આવતાં રીપોર્ટમાં જાણીશું એટલે આગ અને તેનું અસલી કારણ સામે આવશે.