મેઘકહેર@ભરૂચ: અંકલેશ્વરની સોસાયટીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, નર્મદા નદીની સપાટીમાં વધારો

 
Ankleshwar

અટલ સમાચાર, ડેસ્ક

ઉપરવાસના ભારે વરસાદના કારણે ભરૂચની નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. તો બીજી બાજુ અંકલેશ્વર - હાંસોટ રોડ ઉપર પૂરના પાણી ફરી વળ્યા છે અને 15થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા છે. આ વિસ્તારમાં ઘરોના નીચેના માળ સુધી પાણી ભરાઇ ગયા છે. મોડી રાતથી નર્મદા નદીના પાણી આવવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોનું રેસ્ક્યૂ કરવા માટે બારડોલી ફાયર બ્રિગેડને કોલ મળતા આવી પહોંચતા મદદ મળી હતી.

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર પૂરના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 15થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ઘણું જ નુકસાન થયું છે. બારડોલી ફાયર બ્રિગેડને કોલ મળતા તેમણે અહીં આવીને લોકોના જીવ બચાવ્યા છે. બારડોલી ફાયર બ્રિગેડની ટીમે છ લોકોની એક ટીમ દ્વારા બોટ મારફતે રેસ્કયુ હાથ ધર્યુ છે. તેમણે 10થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.

આ વિસ્તારોમાં એટલું પાણી છે કે, ફાયરની ટીમને બોટ લઇને પોતાનું કામ કરવું પડ્યુ હતુ. આ વિસ્તારોમાં મોડી રાતથી પાણી આવવાને કારણે લોકોનાં વાહનો આખેઆખા ડૂબી ગયા છે. આ સાથે તેમના ઘરોમાં એક માળ સુધીનું પાણી આવી જતા તેમના સામાનમાં ઘણું જ નુકસાન થવાની ભીતી છે. ભરૂચ-અંક્લેશ્વર માર્ગ ઉપર પાણી ભરાતા મોડી રાત્રે પોલીસની બસ પણ તણાઈ ગઇ હતી. જેમા બે પોલીસકર્મીઓ પાણીમાં તણાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. તંત્ર અને પોલીસ આ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા છે. નર્મદા નદીમાં ભારે પૂરના કારણે ટ્રેન વ્યવહાર પર અસર પણ થઇ છે.

ભરૂચ-અંક્લેશ્વર વચ્ચે સિલ્વર બ્રિજ પર પાણી આવતા ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. 2013 બાદ 10 વર્ષ પછી પૂરના પાણીથી ટ્રેનો થંભી ગઇ છે. વેસ્ટર્ન રેલ્વેનો મુંબઈ-અમદાવાદ વચ્ચે રેલ વ્યવહાર અપ-ડાઉન ટ્રેક પર અનિશ્ચિત સમય સુધી બંધ કરાયો છે. ટ્રેનની આવન જાવન પર અસર પડતા મુસાફરો અટવાયા છે. અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર પૂરના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.