કાર્યવાહી@સિધ્ધપુર: ચેક રિટર્ન કેસમાં કોર્ટમાં હાજર નહીં રહેતા પૂર્વ સરપંચની ધરપકડ, જાણો સમગ્ર મામલો

 
Sidhdhpur

અટલ સમાચાર, ડેસ્ક

સિધ્ધપુર તાલુકાના બીલીયા ગામના પૂર્વ સરપંચ દિલીપ પટેલની ધરપકડ કરી સૂજનીપુર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ કેસની વિગતો એવી છે કે, બીલીયા ગામના પૂર્વ સરપંચ દિલીપ પટેલ નાણાકીય વ્યવહાર સ્વરૂપે કેટલાક લોકોને ચેક આપ્યા હતા. જોકે તે ચેક રિટર્ન થતા લેણદારોએ કોર્ટમાં ફરિયાદો દાખલ કરી હતી. આ તરફ અનેક વાર કોર્ટ કેસની મુદતોમાં દિલીપ પટેલ ગેરહાજર રહેતા કોર્ટ દ્વારા તેમની ધરપકડનો વોરંટ કાઢતા સિદ્ધપુર પોલીસે દિલીપ પટેલની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. 

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના બીલીયા ગામના પૂર્વ સરપંચ દિલીપ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ બીલીયા ગામના પૂર્વ સરપંચ દિલીપ પટેલ ઉપર ચેક રિટર્નના કેટલાક કેસ સિદ્ધપુર કોર્ટમાં ચાલતા હતા. પરંતુ દિલીપ પટેલ કોર્ટની મુદતોમાં સતત ગેરહાજર રહેતા હતા. જેને લઈ આખરે કોર્ટે દિલીપ પટેલને મુદતમાં હાજર કરવા માટે તેમની ધરપકડનું વોરંટ ઈસ્યુ કર્યું હતું. જેથી આ વોરંટને આધારે પોલીસે બાતમીને આધારે દિલીપ પટેલની પાટણ ખાતેથી ધરપકડ કરી હતી. આ તરફ પોલીસે ધરપકડ બાદ દિલીપ પટેલને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દિલીપ પટેલને સુજનીપુર જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. પોલીસે તેમનો કબજો સુજનીપુર જેલ ખાતે સોંપી દીધો હતો.

સમગ્ર મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના PI જીગ્નેશ આચાર્યએ જણાવ્યું હતું કે, દિલીપ પટેલ વિરુદ્ધ સિધ્ધપુર પોલીસ મથકમાં કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. પરંતુ કોર્ટની મુદતોમાં હાજર ન રહેતા હોવાના કારણે કોર્ટે વોરંટ કાઢતા અમારી પોલીસે કામગીરી કરી તેને પકડી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ સાથે કોર્ટના આદેશ મુજબ સુજનીપુર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.