કાર્યવાહી@ગુજરાત: આખરે PSIની ટ્રેનિંગ લેતાં નકલી ઉમેદવાર મયુર તડવીની ધરપકડ, જાણો શું છે મામલો ?
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં યુવરાજસિંહ જાડેજાએ ભરતી કૌભાંડના આક્ષેપ કર્યા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ PSIની ટ્રેનિંગ લેતો મયુર તડવી નામનો ફેક કેન્ડીડેટ ઝડપાયો છે. મયુર તડવી વેરિફિકેશન દરમિયાન ઝડપાઈ જતા ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી છે. ભરુચના વિશાલ રાઠવાના સ્થાને પોતાનું નામ યાદીમાં ઉમેરી દીધુ હતુ. વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુરે છેતરપિંડી કરી છે.
વિગતો મુજબ આ મામલાની 9 દિવસથી ગુપ્ત તપાસ ચાલી રહી છે. જોકે માહિતી લીક થઇ જતા ઉહાપોહ મચી ગયો છે. પોલીસ અધિકારીઓને શંકા છે કે, એકાદ વ્યક્તિ નહિ પણ મામલો ભરતી કૌભાંડ તરીકે સામે આવે તો નવાઈ નહિ. મયુર તડવી નામના યુવાન ઉપરાંત પણ અન્ય યુવાનો બોગસ ઓર્ડરના આધારે PSI તાલીમ મેળવી રહ્યા હોય અથવા PSI બની ફરજ બજાવી રહ્યા હોવાની પણ તપાસ શરુ કરાઈ છે.
વિશાલ રાઠવાના ભાઈએ શું કહ્યું ?
કૌભાંડમાં જે યુવાનના નામે બોગસ ઓર્ડર બનાવાયો હતો તે વિશાલ રાઠવાના ભાઈ જયપાલ રાઠવાએ જણાવ્યું હતું કે અમે તપાસમાં કોઈપણ સ્તરે સહકાર આપવા તૈયાર છે. પ્રકાશમાં આવેલું કૌભાંડ સરકારી નોકરી અને દેશસેવા માટે લાયક ઉમેદવારોના હક્ક ઉપર તરાપ સમાન છે. કૌભાંડમાં સંડોવાયેલા તમામને ઝડપી પાડી દાખલારૂપ કાયર્વાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે.
ગૃહ વિભાગ મોટો ખુલાસો કરી શકે
બોગસ પીએસઆઇની તાલીમ મામલે ગૃહ વિભાગ મોટો ખુલાસો કરી શકે છે. માહિતી મુજબ ગૃહ વિભાગ દ્વારા છેલ્લા નવ દિવસથી આ મામલા પર તપાસ ચાલી રહી છે. રાજ્યના ગૃહ વિભાગને ફેક કેન્ડિડેટ ખોટી રીતે તાલીમ લઈ રહ્યો છે તેની જાણકારી સામે આવી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના પોલીસ દ્વારા નવ દિવસ પહેલા સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે.