મજબૂરી@મોડાસા: દીપડાના ડરથી ખેડૂત પાંજરામાં કેદ, જાણો શું છે સમગ્ર મામલો ?

 
Modasa

અટલ સમાચાર, ડેસ્ક

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા કેટલાક ગામોમાં દીપડાનો ડર યથાવત છે. છેલ્લા થોડા દિવસોથી સાંજે ભાટકોટા ગામમાં નર, માંદા અને દીપડાનું બચ્ચું દેખાતા ભયનો માહોલ છવાયો છે. ગ્રામજનો આખી રાત જાગીને ગામની રક્ષા કરી રહ્યા છે. બીજી બાજુ એક ખેડૂત ભરતભાઈ રાવના ખેતરમાં જુદો જ માહોલ જોવા મળે છે. આ ખેડૂત પોતાના ખેતરમાં રાતે પાકની રક્ષા કરવા માટે રહે છે. તે દીપડાથી પોતાની જાતને બચાવવા માટે ખેતરમાં લોખંડનું પાંજરું રાખે છે. જે પાંજરામાં જાતે જ પુરાવા મજબૂર બન્યો છે. ત્યારે આ ગામજનો વનવિભાગને આ દીપડાને પાંજરે પુરવા માટે અપીલ કરી રહ્યા છે. આ સાથે વન વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરી લોકોને ભય મુક્ત કારાય તેવી પણ માંગ કરી રહ્યા છે.

મોડાસાના ભાટકોટા ગામે છેલ્લા ઘણાં દિવસોથી સાંજના સમયે દીપડાએ દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. સમી સાંજે દીપડાનો પરિવાર ગામથી 50 ફૂટના અંતરે આવેલા શિકોતર માતાના મંદિર પાસેના એક ખેતરમાં પાણી પીવા આવે છે. આ દરમિયાન ટ્રેકટર લઇ ત્યાંથી પસાર થતા એક ખેડૂતે આ દ્રશ્ય જોયું હતુ અને ગામજનોને વાત કરી હતી. જે બાદ આ જોવા માટે ગામજનો લાકડીઓ લઇને એકત્ર થઇ ગયા હતા. આ દીપડાનો પરિવાર ત્રણ કલાક સુધી મંદિરની આસપાસ બેસી રહ્યા હતા. તો તેમની સામે ગામજનોએ લાકડીઓ લઇને સામે ઉભા રહી ગયા હતા.

ગામમાં રહેતા મીનાબેન રાવના આ અંગે જણાવ્યુ હતુ કે, દીપડો ગામથી માત્ર 50 ફૂટના અંતર નજીક આવતા લોકોમાં ભયનો માહોલ છે. ખેડૂતો તેમજ પશુપાલકો પોતાના ખેતરમાં અને તબેલાઓમાં જતા ડરી રહ્યા છે. મહિલાઓ પણ વહેલી સવારે દૂધ કાઢવાનું ટાળી રહી છે. દીપડાની દહેશતને કારણે ભાટકોટા ગામની મહિલાઓ ડેરીમાં દૂધ પણ ભરી નથી શકતી. બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો

દીપડાનો ડર ગ્રામજનોમાં એ હદે વધી ગયો છે કે, ભાટકોટા ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં રાત્રી સમયે તેમજ દિવસે પાકની રક્ષા કરવા ખેતરમાં બેસી રહેવુ પડે છે. જે માટે ખાટલા ઉપર લોખંડનું પાંજરું બનાવ્યું છે. જેમાં ખેડૂત બેસી દીપડાથી પોતાની રક્ષા કરી રહ્યો છે.

આ અંગે ખેડૂત, ભરતભાઈ રાવ જણાવે છે કે, 'હું છ મહિનાથી આ રીતે પોતાના પાકની રક્ષા કરું છું. જ્યારે મારા ખેતર પાસે એક દીપડાએ મારા પર હુમલો કર્યો હતો તે પહેલા પણ મેં દીપડાને જોયો હતો. આ અંગે જ્યારે ગામલોકોને કહ્યું, ત્યારે તેઓ માનવા તૈયાર ન હતા. હવે જ્યારે મેં કહ્યુ કે, મેં દીપડાના યુગલને જોયું છે અને એક મંદિર પાસે તેનું બચ્ચું પણ જોયું ત્યારે ગામલોકો આ સાંભળીને ગભરાઈ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યુ કે, 'આ દીપડાની દહેશતને કારણે જ એક લોખંડનું પાંજરુ બનાવ્યું છે. જે માટે મેં દસ હજારનો ખર્ચ થયો છે.'

ઉલ્લેખનીય છે કે, મોડાસા તાલુકામા આવેલા ભાટકોટા, લાલપુર, ગઢડા, ગોખરવા, રામેશ્વર કંપા સહિતના 10 ગામોમાં છેલ્લા એક માસથી દીપડાનો પરિવાર જુદા જુદા સ્થળોએ દેખાઇ દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. છેલ્લા એક માસથી દેખાતા આ દીપડાના પરિવારને પાંજરે પુરવામાં નિષ્ફળ તંત્રના કારણે આ વિસ્તારના લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર છે.