હવામાન@ગુજરાત: મેઘમહેર વચ્ચે ખેડૂતો ખુશ, 48 કલાકમાં અહીં વરસાદની આગાહી

 
Rain

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ગુરુવારે જનમાષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી થઇ. આ સાથે વરસાદે પણ અનેક જગ્યાએ પોતાની મહેર વરસાવી. અમદાવાદમાં પણ ગુરૂવારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે ભાવનગર, અરવલ્લી, રાજપીપળા, બોટાદ અને સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જનમાષ્ટમીના દિવસે વરસાદ વરસવાને કારણે લોકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. 

લોકોને બફારા અને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તો બીજી બાજુ આ વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. આગામી 48 કલાકમાં નર્મદા, ડાંગ, નવસારી, દમણ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરૂવારે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામ અને આજુબાજુ ગામમાં ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગામમાં વીજળી પણ ગુલ થઈ ગઇ હતી. દિવસભરના ઉકળાટ અને અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ છે. મોડી રાત્રે પણ વાપી સહિત સમગ્ર વલસાડમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ તેમજ આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. આમ બે દિવસથી વરસાદની હેલીને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરેરાશ 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આણંદમાં વરસાદની આગાહી કરાઇ છે.