ઘટસ્ફોટ@ફતેપુરા: મોટા કદની મંડળીના મોટા ભ્રષ્ટાચાર, ચા-પાણીના નામે લાખો પડાવ્યા, ભાગ:2
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકાની મોટા કદની સહકારી મંડળીના વહીવટ સામે ઉભા થયેલા ગંભીર સવાલો બાદ નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. ધી ફતેપુરા મોટાં કદની ખેતીવિષયક સહકારી મંડળી દ્વારા દુકાનો ભાડે આપવાની પ્રવૃત્તિમાં મોટાં કાંડ થતાં હોવાનો અનુભવ ખુદ અરજદારે રજૂ કર્યો છે. લાખોની ડિપોઝિટ સાથે ચા-પાણીના નામે પણ ચેરમેન અને વાઇસ ચેરમેન લાખો પડાવતાં હોવાનો આક્ષેપ કલ્પેશભાઈ નામના અરજદારે કર્યો છે. આ માટે રંગેહાથ બધું ઉઘાડું પાડવા અરજદારે કરેલી મથામણ દરમ્યાન કોઈ કારણસર ભાંડો ફૂટી જતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. આ તરફ અરજદારે સમગ્ર મામલે ઓડિટ રેકોર્ડિંગ સંબંધિત પુરાવાઓ રજૂ કરતાં ચા-પાણીના નામે કટકીનો ખેલ ખુલ્લો પડ્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વર્ષોથી ચાલતી ધી ફતેપુરા મોટાં કદની ખેતીવિષયક વિવિધ સહકારી મંડળીની દુકાનો ભાડે આપવાની એક ચોંકાવનારી પધ્ધતિ ચર્ચાનાં ચકડોળે ચઢી છે. સ્થાનિક વ્યક્તિએ સ્વરોજગારી માટે મંડળીની જગ્યા ભાડે લેવા 3 લાખ ડિપોઝિટ ભરી અને વધુ 2 લાખ આપવાની તૈયારી કરી ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેને ચા-પાણીના નામે 1.90 લાખ પણ લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. આ પછી પણ વધુ 2 લાખ માંગતા હોઈ અરજદારે રકઝકના અંતે દોઢ લાખ આપવા તૈયારી કરી હતી. આ દરમ્યાન જેવા પૈસા આપવા ગયા ત્યારે ચેરમેન સાથે દિલીપ પ્રજાપતિ નામનો કોઈ ઈસમ પણ હતો. જોકે ગંધ આવી જતાં દોઢ લાખ લીધા વગર રફૂચક્કર થઈ ગયા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અરજદાર કલ્પેશભાઈએ એક ઓડિયો રજૂ કરતાં ચા-પાણીના નામે ચેરમેને 1.90 લાખ લીધા હોવાની વાત આવે છે. વાંચો નીચેના ફકરામાં.
અરજદાર કલ્પેશભાઈએ રજૂ કરેલ ઓડિયોમાં મંડળીના કોઇ ઈસમ એવું બોલે છે કે, ચા-પાણીના તો લેવા જ પડે પરંતુ તે આપ્યા એમાં મારા ભાગે તો 40-50 હજાર જ આવ્યા છે. બીજા તો એને લઈ લીધા. આ ઓડિયો સામે અરજદાર સ્પષ્ટતા કરે છે કે, ટોટલ 1.90 લાખ ચા-પાણીના આપ્યા છે. તો સામે મંડળીનો ઈસમ ના પાડતો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, અરજદારના આવા સનસનીખેજ આક્ષેપ અને ઓડિટ રેકોર્ડિંગ સહિતના પુરાવા અને કેટલીક પહોંચ જોતાં મામલો અત્યંત ગંભીર જણાય છે. વર્ષો જૂની મંડળી ઉપર મતદારોનો વિશ્વાસ હોય ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન ચા-પાણીના નામે નાણાંનો ખેલ કરતાં હોય તેવી કલ્પના સભાસદોને પણ કદાચ નહિ હોય. આવતાં રિપોર્ટમાં જાણીએ ક્યાં ચાલી રહી છે તપાસ અને કેટલે પહોંચી છે આ ચા-પાણીની તપાસ.