કરુણ@જામનગર: દીકરીના લગ્નના એક દિવસ પહેલા પિતાએ કર્યો આપઘાત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર, ડેસ્ક
જામનગરના નવાનગર ઘેડ વિસ્તારમાં ગમગીન ઘટના બની છે, જેમાં દીકરી પિતાનું ઘર છોડીને સાસરે જવાની જ હતી તેના એક દિવસ પહેલા પિતાએ જીવન ટૂંકાવ્યું છે. દીકરીને વળાવતા પહેલા પિતાએ પોતાનો દેહ છોડી દેતા પરિવારમાં અને લગ્ન કરવા જઈ રહેલી યુવતીને ભારે આઘાત લાગ્યો છે. જે ઘરેથી દીકરીને વળાવવાની હતી તે ઘરેથી પિતાની અંતિમ યાત્રા નીકળતા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
જામનગર શહેરના નવાનગર ઘેડ વિસ્તારમાં એક 50 વર્ષના વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે. ઈન્દિરા કૉલોનીમાં રહેતા નરોત્તમ છગનભાઈ રાઠોડે પોતાની દીકરીના લગ્નના એક દિવસ પહેલા આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. એક તરફ ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને પરિવારને ઘરના મોભીના આપઘાત વિશે જાણીને જાણે તેમના પર આભ તૂંટી પડ્યું હોય તેવી ઘટના સર્જાઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દીકરી મિત્તલને વળાવતા પહેલા પિતા નરોત્તમ રાઠોડે આપઘાત કરી લેતા ઘરમાં ચાલી રહેલો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. 14મી ફેબ્રુઆરીએ દીકરીને લેવા માટે જાન આપવાની હતી અને તે પહેલા જ પિતાએ પોતાની આપઘાત કરીને જાન આપી દીધાની વાત જાણીને પાડોશીઓને પણ ઘણો આઘાત લાગ્યો હતો. લગ્નમાં આવવા માટે ઉતાવળા બની રહેલા મહેમાનોને પણ આ ઘટના વિશે જાણીને ઘેરો આઘાત લાગ્યો છે.
પોલીસે મૃતક નરોત્તમ રાઠોડના આપઘાતની જાણ થતા બનાવના સ્થળ પર પહોંચીને પ્રાથમિક પૂછપરછ સહિત મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. હજુ સુધી આ આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરિવારજનો તથા દીકરીને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેના પિતાએ કયા કારણોથી આ પગલું ભર્યું છે.