બ્રેકિંગ@ગુજરાત: શાળામાં ભણાવતી વખતે મોબાઈલ વાપરતાં શિક્ષકો જાણી લેજો, પરિપત્ર જાહેર
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદ શહેરની શાળાઓમાં મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે અને શિક્ષકો પણ વહીવટી કામોની સાથે સાથે શૈક્ષણિક કામોમાં પણ મોબાઈલ નો ઉપયોગ બેફામ થઇ રહ્યો છે. જેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવતો એક પરિપત્ર કર્યો છે. જેથી હવે સ્કૂલમાં મોબાઈલ વાપરતા શિક્ષકો સામે તવાઈ આવી શકે છે. આમ તો અગાઉ અનેકવાર શાળાના સંચાલકોને અધિકારીઓ દ્વારા મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે તેમ છતાં શાળામાં મોબાઈલનો ઉપયોગ બેફામ રીતે વધી ગયો છે.
હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં ચાલુ ક્લાસે મોબાઈલનો ઉપયોગ કરતા શિક્ષકો સામે લાલ આંખ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવા પર શિક્ષકો પર પ્રતિબંધ લગાવ્યો છે અને તે મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની અલગ અલગ શાળાઓ ખાસ કરીને પ્રાઇમરી, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં આ પરિપત્ર કરવામાં આવ્યો છે.
જેથી હવે શાળાના શિક્ષકો સ્કૂલમાં મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે. આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે, હવે શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલનો વપરાશ નહિ કરી શકે. અનેક સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઇલનો વપરાશ કરતા હોય છે. જેથી હવે સ્કુલમાં પ્રવેશતાની સાથે જ આચાર્ય પાસે મોબાઈલ જમા કરાવવાનો રહેશે. રિશેષ દરમિયાન જ મોબાઇલનો ઉપયોગ કરી શકશે.
શિક્ષકો મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનીય કાર્યવાહી થશે. આ અંગે જે તે શાળાના આચાર્યએ એક મોબાઈલ રજીસ્ટર બનાવવાનો રહેશે અને દરેક શિક્ષકની નોંધ એ રજીસ્ટરમાં કરવાની રહેશે. મહત્વનું છે કે, ભૂતકાળમાં શાળામાં અભ્યાસ માટે આવતા બાળકો પણ શાળાએ મોબાઈલ લઈને આવતા હોય અને મોબાઈલનો ઉપયોગ કરતા હોય તેવું પણ ધ્યાને આવી ચૂક્યું છે અને તેના પર પગલાં લેવાયા છે ત્યારે હવે શિક્ષકો સામે પણ કડક કાર્યવાહીનું વલણ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દાખવવામાં આવ્યું છે.