કાર્યવાહી@ગુજરાત: આપઘાત કેસ મામલે MP સામે FIR, રાજેશ ચુડાસમાનો મોબાઈલ સ્વિચ ઑફ

 
Mp Fir

અટલ સમાચાર, ડેસ્ક

ડો.અતુલ ચગના આત્મહત્યાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં જૂનાગઢના ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા સામે FIR નોંધાઈ છે. ડો. અતુલ ચગના આપઘાતના ત્રણ મહિના બાદ એફઆઈઆર દાખલ થઈ છે. પોલીસે આ મામલે 306,506 ( 2 ) અને 114 મુજબ ફરિયાદ નોંધી છે.

વેરાવળના નામાંકિત ડૉ. અતુલ ચગે 12 ફેબ્રૂઆરીએ આપઘાત કર્યો હતો. પોલીસને ડો. ચગના મૃતદેહ પાસેથી એક ચીઠ્ઠી મળી આવી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. આ ચીઠીમાં ડો. ચગે લખ્યુ હતુ કે, હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું. આ ચીઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ તરફ ભાજપ સાસંદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરુદ્ધ FIR નોંધાયા બાદ ગીર સોમનાથના SPનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં પુરાવો મળતા ગુનો નોંધવામાં આવ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્યુસાઇડ નોટમાં ભાજપના સાંસજ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાનું નામ લખ્યું હતું. આ ઘટનામાં વેરાવળ પોલીસે ફરિયાદ નોંધવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ ડો. ચગના પુત્રએ હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. ડો. ચગ પાસેથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાએ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપવાનો ખુલાસો થયો હતો.