દુર્ઘટના@સિદ્ધપુર: માર્કેટ યાર્ડમાં કપાસ ભરેલા ટ્રેકટરમાં અચાનક આગ, 500 મણ કપાસ બળીને ખાખ

 
Sidhhpur APMC Fire

અટલ સમાચાર, ડેસ્ક

સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કપાસ ભરેલા કમ્પાઉન્ડમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ એક ટ્રેકટર કપાસ ભરીને વજન કાંટાએ વજન કરવા ગયુ હતુ. આ દરમિયાન અચાનક વીજ પુરવઠાનો વાયર ઉપરથી છૂટો પડીને ટ્રેક્ટરની અંદર કપાસમાં પડવાથી તણખો ઉત્પન્ન થયો હતો. જે બાદમાં ટ્રેક્ટર ચાલક કપાસનો માલ લઇને અન્ય બીજા કપાસના ઢગલા પાસે ખાલી કરવા ગયુ હતુ. આ દરમિયાન અચાનક આશરે 500 મણ કપાસના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને લઈ તાત્કાલિક ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

પાટણ જિલ્લાના સિદ્ધપુર માર્કેટયાર્ડમાં પ્લોટ નંબર 40 ભુપતભાઈ પચાણભાઈ ચૌધરી તેમજ બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ત્રણ થી ચાર ખેડૂત વેપારીઓનો કપાસનો માલ હરાજીમા મુકવામા આવ્યો હતો. આ તરફ હરાજી ની શરૂઆત પહેલા જ તેઓના માલમાં આગ લાગતા નુકસાન થયુ હતુ. આ તરફ હવે જેથી વેપારીઓએ વળતર ચુકવવાની માંગ કરી હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાને લઈ ખેડૂતો સહિતના લોકો દોડી આવ્યા હતા. આ તરફ હવે કયા કારણોસર આગ લાગી તે અંગે તપાસ કરવા પોલીસ પણ પહોંચી છે.