તૈયારી@ગુજરાત: સૌપ્રથમ વાર 2 પ્રજ્ઞાચક્ષુ આ રીતે આપશે ધો.12ની બોર્ડની પરીક્ષા, જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ લહિયા વિના ધો.12ની બોર્ડની પરીક્ષા આપવાના છે. પહેલીવાર ગુજરાતમાં 100 ટકા પ્રજ્ઞાચક્ષુ એવા બે વિદ્યાર્થી કોઈની પણ મદદ વિના ધો. 12 બોર્ડની પરીક્ષા આપશે. આ બંને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ઓનલાઈન સિસ્ટમથી એક્ઝામ આપશે. માર્ચમાં યોજાનારી એચએસસી બોર્ડની આ પરીક્ષામાં સામાન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અડધો કલાકનો વધુ સમય ફાળવવામાં આવશે. તેનો અર્થ કે તેઓનું પેપર 3.30 કલાકનું રહેશે.
આ બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ 100 ટકા અંધ છે. તેમાં એક યુવક અને એક યુવતી છે. યુવતી ડભોલીની રહેવાસી છે. તેનું નામ સિયા બોદરા છે. સિયા છેલ્લાં 12 વર્ષથી અંધજન સ્કૂલમાં ભણે છે. પરિવારમાં સિયા સિવાય બધા સભ્યો નોર્મલ છે. પરિવારના સહકારથી સિયા આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાઇટર વિના આપશે. યુવક ભટારનો રહેવાસી છે. તેનું નામ આનંદ ભાલેરાવ છે. આનંદ ઘોડદોડ રોડની અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. જન્મથી તેની આંખોમાં સમસ્યા હતા. તે 7માં ધોરણમાં ભણતો હતો, ત્યારે મોતિયાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી હતી. જોકે, મક્કમ મનના આનંદે આંખની નબળાઈને જીવનની નબળાઈ બનવા દીધી નહીં. હાલ તે ધો. 12માં ભણે છે.
કોરોના બાદ અંધજન શાળામાં ટેકનોલોજી લાવવામાં આવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર પર ભણવાની શરૂઆત કરી હતી. કોમ્પ્યુટરમાં ટોપ બેક નામનું સોફ્ટવેર તેમજ NVDA નામનું સ્ક્રીન રીડર ફીટ કરાયું છે. બંને વિદ્યાર્થી 3 વર્ષથી આ સોફ્ટવેર અને રીડરની મદદથી ભણી રહ્યાં છે. હાલ બંને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તે માટે ટાઈપિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે, કારણ કે ટાઈપિંગ સ્પીડ સારી હશે તો સમયસર તમામ સવાલોના જવાબ લખી શકીશે. કોઈપણ મદદનીશ વિના ટેક્નોલોજીની મદદથી પરીક્ષા આપવાનો નિર્ણય આ વિદ્યાર્થીઓનો જ છે. અંધજન શાળાએ વિદ્યાર્થીઓના નિર્ણયને વધાવી લઈ તેઓને મદદ કરી છે. બંને આંખથી બિલકુલ દેખાતું નથી પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ તેઓ કમ્પ્યુટર કીબોર્ડ પર ઝડપથી ટાઈપ કરી શકે છે.
અંધજન શાળાના આચાર્ય મનીષા ગજજરે કહ્યું કે, આનંદ અને સિયા કોઈની પણ મદદ વિના કોમ્પ્યુટરમાં ટાઈપ કરી જવાબો લખી શકે છે. તેથી તેઓએ આસિસ્ટન્ટ વિના પરીક્ષા આપવાની મંજૂરી માંગતી રિક્વેસ્ટ બોર્ડને કરી હતી. ગુજરાત બોર્ડે તેમની માંગણી સ્વીકારી છે. ગજ્જરે વધુમાં કહ્યું કે ગુજરાત બોર્ડમાં આ રીતે પહેલીવાર પરીક્ષા લેવામાં આવનાર હોય સ્પેશિયલ તૈયારીઓ કરવામાં આવી છે. હાલ તો આ પરીક્ષા માટે સ્કૂલ દ્વારા બે લેપટોપ તૈયાર કરાવવામાં આવ્યા છે જેના પર આ બંને વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બ્રેઈલ લિપિ માં પ્રશ્નપત્ર આપવામાં આવશે જો જરૂર પડશે તો એક્ઝામિનર આ પ્રશ્નપત્ર ના પ્રશ્નો વાંચી સંભળાવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોના જવાબો લેપટોપમાં ટાઈપિંગ કરશે.
અહીં સવાલ એ થાય કે તેઓ કોમ્પ્યુટર પર સવાલ કેવી રીતે સમજશે, પરીક્ષા કેવી રીતે આપશે? તો બંને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સામાન્ય કીબોર્ડ પર તે સોફ્ટવેરના માધ્યમથી જે પણ શબ્દ ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. ટોપ બેક નામનું સોફ્ટવેર છે અને NVDA નામનું સ્ક્રીન રીડર આવે છે. જેની મદદથી જે શબ્દ તેઓ કીબોર્ડ પર ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. જે પ્રશ્નપત્ર મળશે તે બ્રેઈલ લિપિમાં આવશે, જરૂર હશે તો એક્ઝામિનર તેને પ્રશ્ન વાંચીને બતાવશે અને ત્યારબાદ આ સોફ્ટવેરની મદદથી તે ઉત્તર લખશે.