ચકચાર@સિદ્ધપુર: પાણીની પાઇપમાંથી સતત બીજા દિવસે પણ મળ્યા અવશેષો, જાણો એક જ ક્લિકે

 
Sidhdhpur

અટલ સમાચાર, ડેસ્ક

સિદ્ધપુરમાં મંગળવારે પીવાના પાણીની પાઇપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળતાં ચકચાર મચી હતી.આ તરફ હવ સતત બીજા દિવસે પણ નિશાળ ચકલા વિસ્તારમાં પાલિકાએ ખોદકામ કરતાં લાલ ડોશીની પોળમાં પગના અવશેષો પાઇપલાઈનમાં દેખાયા હતા. હાલમાં પાઇપ કાપીને અવશેષો બહાર કાઢીને સિવિલમાં મોકલાયા છે. નોંધનીય છે કે, પાણીની પાઈપલાઈનમાં ચાર દિવસથી પાણી બંધ થઈ જતાં પાલિકા દ્વારા તપાસ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. 

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ઉપલી શેરી વિસ્તારમાં પાઈપલાઈનમાંથી એક મૃતદેહના હાથ અને માથાના ભાગના અવશેષો મળ્યા હતા. સવીરો જોઇને આ અવશેષો માનવશરીરના લાગી રહ્યા છે. જોકે ડોક્ટરોના જણાવ્યા મુજબ FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે, આ અવશેષો માનવના છે કે પ્રાણીના. સૂત્રોએ જણાવ્યું હતું કે, હજી બીજી પાઇપલાઈન ચકસાવમાં આવે તો બીજો પગ અને માથાની ખોપરી મળવની શક્યતા છે.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આજે પાણીની પાઇપલાઈન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઉપલી શેરી બાદ બીજાં અન્ય સ્થળે લાલ ડોશીની પોળ વિસ્તારના નિશાળ ચકલા આગળ પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરી પાઇપને કાપવામાં આવી ત્યારે એમાંથી મૃતદેહના પગના અવશેષો મળી આવ્યા હતા. DySP અને PI સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવી લાશના અવશેષો બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં FSL ટીમની તપાસ હેઠળ પહોંચાડવામાં આવ્યા છે. 

 

સિવિલ હોસ્પિટલના તબીબ હર્ષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગઇકાલે જે મૃતદેહ આવ્યો હતો એ પેનલ ડોક્ટર દ્વારા તપાસ કરી એને અમદાવાદ ખાતે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે. હાલ એક પગનો ભાગ મળ્યો છે, પણ એ કાલવાળાનો જ છે કે બીજાનો છે એ DNA ટેસ્ટ દ્વારા ખબર પડે. હાલ તો આ પગ મળતાં માનવ અવશેષ કહી શકાય, પણ પેલાનો છે એ ન કહી શકાય. સિદ્ધપુર DySP કે.કે.પંડ્યાએ જણાવ્યું હતું કે, બે પાઇપલાઈનમાંથી બે અલગ અલગ અવશેષો મળ્યા છે, જેની તપાસ ચાલુ છે. આ અવશેષો હત્યા કરાયેલા છે કે કેમ એ અત્યારે કહી શકાય નહીં. અગાઉ જે યુવતી ગુમ હતી એ સંદર્ભને ધ્યાનમાં રાખીને પણ તપાસ ચાલુ છે.