બ્રેકિંગ@ગુજરાત: આગામી 2 દિવસ ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં પશ્ચિમ ઉતર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. તેમજ આગામી 48માં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી જશે. આ પછી 2 દિવસ બાદ ફરી 2થી 3 ડિગ્રી તાપમાન વધી જશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે સામાન્ય કરતા રાજ્યના ઘણાં ભાગોમાં નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. આમ થવા પાછળનું કારણ રાજ્યના હવામાનમાં સતત આવી રહેલા પલટા છે. અમદાવાદ સહિતના ભાગોમાં સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. 

રાજ્યમાં 20 એપ્રિલ આસપાસ મહત્તમ તાપમાન 40 ડીગ્રી આસપાસ નોંધાતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થયો છે. જેથી તાપમાનમાં ઉતાર ચડાવ જોવા મળ્યા છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનુ અનુમાન છે હજી પણ એપ્રિલના અંતમાં વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનમાં ફેરફાર થશે. 

હવામાન વિભાગનુ અનુમાન છે કે 2 દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. જેના કારણે ગરમીનુ પ્રમાણ પણ વધશે. જો કે 39થી 40 ડિગ્રી તાપમાનમાં પણ બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળા માટે હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમા હવામાન વિભાગ દ્વારા તાપમાન પર કલર કોડ આપવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં 23 અને 24 એપ્રિલના મહત્તમ તામપાન 41 થી 42 ડિગ્રી અસપાસ રહેવાની શક્યતા છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં 23 અને 24 એપ્રિલના યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

વડોદરાનુ પણ મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી, તો ડીસાનુ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાયુ છે. જે સામાન્ય કરતા 3 ડિગ્રી તાપમાન છે. ગાંધીનગરનુ મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી નોંધાયુ છે. જે સામાન્ય કરતા 2 ડિગ્રી નીચુ તાપમાન છે. જ્યારે સુરતનુ મહત્તમ તામપાન 38.4 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા 2 ડિગ્રી ઉંચુ તાપમાન છે. પોરબંદરનુ મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયુ છે. જે સામાન્ય કરતા 1 ડિગ્રી ઊંચુ નોંધાયુ છે. 

ઉનાળામાં દરિયા કાંઠાના વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય રહેતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે દરિયા કાંઠાના વિસ્તારોનુ તાપમાન સામાન્ય કરતા ઊંચુ નોંધાયુ છે. ચાલુ વર્ષે વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવ્યા કરે છે. જેના કારણે સમુદ્રનો ભેજ ગુજરાત પર આવે છે. વાદળ છાયુ વાતાવરણ રહેવાના કારણે તાપમાન નીચું નોંધાઈ રહ્યુ છે.