લાંચ@નસવાડી: જંગલના લાકડા કાપો પરંતુ રૂપિયા આપો, આખરે 5 હજાર લેતાં ઝડપાયો ફોરેસ્ટર

 
Acb

અટલ સમાચાર ડોટ કોમ, છોટા ઉદેપુર 

નસવાડી પંથકમાં જંગલના વૃક્ષો જો ઘટતાં હોય તો તેનો કારસો ખુલ્લો પડ્યો છે. તાલુકાના સોરટ ગામ નજીક બળતણના લાકડા પીઠા ઉપર વેચાણ કરનારાને ફોરેસ્ટર લાંચના ઈરાદે ધમકાવતો હતો. નસવાડી રેન્જ ફોરેસ્ટ કચેરી હેઠળના ફોરેસ્ટર મહેશભાઈ સોમાભાઇ બારીયા(રહે. સંખેડા, તા.સંખેડા જી.છોટાઉદેપુર) લાંચ લેવાની માનસિકતા ધરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. લાકડાની કામગીરી સાથે સંકળાયેલા સ્થાનિકને લાંચિયા ફોરેસ્ટરે મોબાઇલથી ફોન કરી કહ્યું હતું કે, મને પૂછ્યા વગર કેમ લાકડા કાપો છો ? અમને ના મળવું હોય તો તમારે લાકડાનો ધંધો બંધ કરી દેવાનો છે. આથી સ્થાનિકે જવાબ આપ્યો કે,સાહેબ તમને મળવું છે. તો સામે લાંચિયા ફોરેસ્ટરે કહ્યું કે, ક્યારે મળવા આવો છો, તો સ્થાનિકે કહ્યું કે, આવતી કાલે કલેડીયા ચોકડી ઉપર મળીશ. આ પછી સ્થાનિક વ્યક્તિ કલેડીયા ચોકડી ઉ૫ર ગયા પરંતુ ફોરેસ્ટર આવ્યા નહી.

Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત 18 માર્ચે સાડા પાંચ વાગ્યે સ્થાનિકે મોબાઇલથી ફોરેસ્ટરને ફોન કરી પુછ્યું કે, 3હજારમાં માની જશો ને ? તો સામે ફોરેસ્ટરે કહેલ કે મને રૂ. 5,000/- પુરા જોઇશે. જોકે સ્થાનિક વ્યક્તિ લાંચની રકમ આપવા માંગતા ના હોઈ એ.સી.બી.ને ફરિયાદ આપી હતી. આ પછી છોટા ઉદેપુર એસીબીએ ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરી ટ્રેપ ગોઠવી હતી. જેમાં ફોરેસ્ટર પંચની હાજરીમાં ફરીયાદી વ્યક્તિ સાથે હેતુલક્ષી વાતચીત કરી 5હજારની લાંચની માંગણી કરી સ્વીકારતાં સ્થળ ઉપરથી પકડાઇ ગયા હતા. સમગ્ર કેસમાં આરોપી ફોરેસ્ટરને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપમાં ટ્રેપીંગ અધિકારી કે.એન.રાઠવા, છોટાઉદેપુર એ.સી.બી. પો.સ્ટે અને સુપરવીઝન અધિકારી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક,  એ.સી.બી. વડોદરા એકમ રહ્યા હતા.