દુ:ખદ@દેશ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડીનું જામનગરમાં નિધન, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સલીમ દુરાનીનું અવસાન થયું છે. 88 વર્ષના દિગ્ગજ ખેલાડી સલીમ દુરાની કેન્સરથી પીડાતા હતા. મળતી વિગતો પ્રમાણે તેમણે જામનગરમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. દુરાનીને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1960માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં જન્મેલા દુરાની કરાચીમાં પણ રહી ચૂક્યા છે.
અફઘાનિસ્તાનમાં જન્મેલા અને ભારત માટે લાંબા સમય સુધી ક્રિકેટ રમનારા સલીમ દુરાનીએ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ દર્શકોની માંગ પર બોલને બાઉન્ડ્રીની બહાર ફેંકી દેતા હતા. દર્શકો રમતમાં રોમાંચ લાવવા માટે દુરાનીને છગ્ગો જોવાની ઈચ્છા થાય ત્યારે તેઓ આમ કરી પણ બતાવતા હતા.
નોંધનીય છે કે, દુરાની ભારત તરફથી કુલ 29 ટેસ્ટ મેચ રમ્યા છે અને આ દરમિયાન તેમણે 1202 રન બનાવ્યા છે, જેમાં 1 સતક અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેઓ બોલિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવતા હતા. તેમણે પોતાના કરિયરમાં 75 વિકેટો પણ લીધી છે. દુરાની લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરતા હતા. સલીમ દુરાનીએ ભારત માટે માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ વર્ષ 1973માં 6 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે રમી હતી. તેમની અંતિમ ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે બ્રોબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી.
સલીમ દુરાનીનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં 11 ડિસેમ્બર 1934માં થયો હતો. સલીમ દુરાનીએ 1 ડિસેમ્બર 1960માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તેઓ ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમ્યા છે. જેમાં 1953માં તેઓ સૌરાષ્ટ્ર તરફથી રમ્યા હતા, જે બાદ 1954થી 1956 દરમિયાન ગુજરાત અને 156થી 1978 દરમિયાન રાજસ્થાન તરફથી રમ્યા હતા.