ઘટના@પાટણ: ચોંકાવનારી હદે છેતરાયા વેપારી, 5 કરોડથી વધુ આપ્યા પછી થયું ભાન, 4 ઈસમો સામે ગુનો દાખલ

અટલ સમાચાર, ડેસ્ક
આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, આવું જ કઈક બન્યું પાટણના એક વેપારી સાથે. વિગતો મુજબ 4 ઇસમોએ વિદેશમાંથી એન્ટિક ચેર લાવવા 35 હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો હોવાની વાત કરી પાટણને એક વેપારીને કરી હતી. આ સાથે વેપારીને વિશ્વાસમાં લઈ પૈસા ઘટી રહ્યા હોવાનું કહી પોણા છ કરોડ રૂપિયા લઈ છેતરપિંડી કરતાં હડકંપ મચી ગયો છે. આ તરફ હવે સમગ્ર મામલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે 4 ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાસકાંઠાના ડીસાના રહેવાસી ત્રિકમાજી બારોટ નામના વેપારીને વર્ષ 2018માં ઉત્તમ ચૌધરી, આંબા પાંત્રોડ અને જાફરભાઈ નામના શખ્સોને મળ્યા હતા. આ ઇસમોએ ત્રિકમાજી બારોટને કહ્યુ હતું કે, તેમને એક વ્યકિત ઓળખે છે જેનું નામ સલીમ છે, તેના વિદેશમાં અનેક બિઝનેસ છે. અમે પણ તેમાં રોકાણ કર્યું છે. તમે પણ રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે. આ વાત થયા બાદ ભોગબનનાર વેપારીની સલીમ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી.
આ દરમ્યાન સલીમે કહ્યું હતું કે, તેને વિદેશમાંથી એન્ટિક વસ્તુ લાવવા માટે બહુ મોટો સોદો કર્યો છે. તે પરત લાવવા માટે તેને 8 કરોડ રૂપિયા ઘટે છે. જો તે રકમ તમે અમને આપશો તો હું તમને ચેક અને નોટરી કરી આપીશ. જોકે વેપારીને વિશ્વાસમાં લેવા આરોપીઓએ સરકારી પ્રમાણપત્રોના બોગસ ડોક્યુમેન્ટ પણ બતાવ્યા હતા. જે બાદમાં આરોપીઓએ અલગ અલગ જગ્યાએ આંગડીયા, રોકડા અને ચેકથી પૈસા લેવાની શરૂઆત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વેપારી ત્રિકમાજી 5.67 કરોડ આપી દીધા ત્યારે ચારેય લોકો પર શંકા ગઈ હતી. જેથી ત્રિકમાજીએ પોતાનું વ્યાજ અને રૂપિયા પરત માગ્યા હતા. જોકે આરોપીઓએ પૈસા પરત કરવાનો ઈન્કાર કરી ધમકી આપી હતી. આ તરફ અંતર ત્રિકમાજી બારોટ દ્વારા ફારૂકી મહંમદસલીમ કાલુમીયા, ચૌધરી ઉત્તમભાઈ ઈશ્વરભાઈ, પાંત્રોડ આંબાભાઈ દાનાભાઈ અને જાફરભાઈ નામના શખ્સો સામે પાટણમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈ હવે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.