એલર્ટ@ગુજરાત: માર્ચથી મે માસમાં અંગ દઝાડતી ગરમી પડશે, આરોગ્ય વિભાગે શું કહ્યું ?

 
Summer Heat Wave

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં આ વર્ષનો ફેબ્રુઆરી મહિનો વર્ષ 1877થી અત્યાર સુધીનો સૌથી ગરમ રહ્યો હતો. હવે માર્ચમાં ગરમીનો નવો રેકોર્ડ નોંધાઈ શકે છે. ફેબ્રુઆરી 2023માં દેશમાં દિવસનું સરેરાશ તાપમાન 29.54 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય (27.8 ડિગ્રી) તાપમાનથી 1.74 ડિગ્રી વધુ છે. આ પહેલાં 2016માં ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 29.48 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના વિજ્ઞાની એસ.સી. ભાણે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં ઓછો વરસાદ, સ્વચ્છ આકાશ અને એન્ટિ-સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં તાપમાનમાં વધારો નોંધાયો છે.

કેન્દ્ર સરકારે હીટવેવ માટે અત્યારથી એડવાઇઝરી જાહેર કરી છે અને ચેતવણી આપી છે કે માર્ચથી મે મહિનામાં આકરામાં આકરો તડકો પડશે. ગરમીમાં ડિહાઈડ્રેશન થવાની શક્યતા છે એટલે સતત પાણી, નાળિયેર પાણી, લીંબુ શરબત પીવું. બપોરે 12થી 3 વચ્ચે બહાર નીકળવાનું ટાળવું. બાળકોને કારમાં એકલાં ન મૂકવાં.

હવામાન વિભાગના મતે, 1901થી અત્યાર સુધીમાં ફેબ્રુઆરી 2023નું મહત્તમ (દિવસનું) તાપમાન સૌથી વધુ પહેલા ક્રમે રહ્યું, જ્યારે લઘુતમ (રાત્રિનું) તાપમાન પાંચમા ક્રમે છે. મધ્ય ભારતમાં માર્ચમાં જ હીટવેવ શરૂ થઇ ગયો છે. જોકે ઉત્તરના પહાડી, મેદાની અને પશ્ચિમ-પૂર્વનાં રાજ્યોમાં માર્ચમાં ઓછો હીટવેવ રહેશે, પરંતુ એપ્રિલ-મે મહિનામાં વધી જશે. દક્ષિણ ભારતનાં રાજ્યોને છોડીને બાકીનાં સ્થળોએ તાપમાન વધુ રહેશે.

ફેબ્રુઆરીમાં ઉત્તર પશ્ચિમ ભારત (રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી. પશ્ચિમ ઉ.પ્રદેશ)માં દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન 3.40 ડિગ્રી વધુ એટલે કે 24.86 ડિગ્રી નોંધાયું હતું. અગાઉ 1960માં આ આંકડો 24.55 ડિગ્રીએ પહોંચ્યો હતો. મધ્ય ભારત (મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાતનો કેટલોક હિસ્સો) માટે આ ઇતિહાસનો સૌથી ગરમ ફેબ્રુઆરી રહ્યો. આ વર્ષે અહીં ફેબ્રુઆરીનું સરેરાશ મહત્તમ તાપમાન 31.93 ડિગ્રી રહ્યું. 2006માં એ 32.13 ડિગ્રી નોંધાયું હતું.

  

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચથી મે વચ્ચે સંભવિત લૂ માટે એડવાઇઝરી જારી કરી છે. હવામાન વિભાગે 2023માં ઉનાળાની પહેલી એડવાઇઝરી જાહેર કરી છે. એમાં શું કરવું અને શું ના કરવું એ પણ જણાવાયું છે. એ પ્રમાણે જરૂરી ના હોય તો બપોરે 12થી ત્રણ વચ્ચે ઘરમાંથી બહાર ના નીકળવું. બાળકોને પાર્ક કરેલી કારમાં છોડીને ના જવું. ગયા વર્ષે માર્ચમાં ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. એને જોતાં સાવધ રહેવું જરૂરી છે.