ગંભીર@અમદાવાદ: ફરિયાદ નહિ લેવા પોલીસ કર્મચારીએ 10 લાખમાં કર્યું સેટિંગ્સ, છેલ્લો હપ્તો લેવાં જતાં સકંજામાં આવ્યા

7 લાખ લીધા બાદ વારંવાર બીજા 3 લાખની માંગણી કરતો લોકરક્ષક હરદીપસિંહ પરમાર આખરે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સકંજામાં આવી ગયો
 
આરોપી પરમાર
અટલ સમાચાર ડોટ કોમ, અમદાવાદ
પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં એસીબીની સફળ ટ્રેપમાં દર વખતે કંઈક અલગ અને ચોંકાવનારી વિગતો આવે છે. અમદાવાદ ખાતે ગઈકાલે થયેલી લાંચ રૂશ્વતની ઘટનામાં પોલીસ કર્મચારી આરોપી બન્યાં છે પરંતુ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યું છે ફરિયાદ નહિ કરવાનું સેટિંગ્સ અને તેની લાંચનો આંકડો. એક ઈસમ વિરુદ્ધ કોઈ પિડીત વ્યક્તિએ સાયબર ક્રાઇમ એટલે કે ઓનલાઇન પૈસા પડાવવાનો કેસ કરવા અરજી આપી હતી. આ અરજી આધારે તપાસ કરી ગુનો દાખલ કરવાને બદલે પોલીસ કોન્સ્ટેબલે આરોપી પાસે 10 લાખનું સેટિંગ્સ પાડી દીધું. મોટાભાગની રકમ પડાવી લીધા બાદ છેલ્લો હપ્તો લેવાં જતાં આ કોન્સ્ટેબલ બરોબરના સકંજામાં આવી ગયા છે. જેના વિરુદ્ધમાં અરજી હતી તે ઈસમે ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવી આ કોન્સ્ટેબલને 3 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા છે. સમગ્ર ઘટનાને પગલે શહેરમાં એક વાત જબરજસ્ત ફેલાઇ ગઇ કે, કોન્સ્ટેબલ આટલી અધધધધ. લાંચ લેતાં થયા છે તો ભ્રષ્ટાચાર હવે કલ્પના બહારની હદે વધી ગયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
શાહીબાગ નજીક એક ઈસમ વિરુધ્ધ સાયબર ક્રાઇમમાં અરજી થઈ હોવાથી તેની તપાસ ચાલતી હતી. આ દરમ્યાન અરજીમાં દર્શાવેલ આરોપી સામે એફ.આઇ.આર. નહી કરવા અને આરોપીનુ ફેડરલ બેંકનું ફ્રીજ થયેલું ખાતું ખોલવા મોટો કાંડ રચાયો હતો. ફરિયાદ બાબતની તપાસ ટીમના પોલીસ કર્મચારી હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમારે સાયબર ક્રાઇમની અરજીના આરોપી પાસે રૂપિયા દસ લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં ટુકડે-ટુક્ડે રૂપિયા સાત લાખ લઇ લીધા પછી બાકીના ત્રણ લાખની માંગણી ચાલું રાખી હતી. જોકે લાંચની રકમ નહિ આપવા ઈચ્છતા છતાં ડરાવી ધમકાવી લાંચ લેતાં પોલીસ કર્મચારી પરમાર સામે જ એસીબીમાં ફરીયાદ થઈ હતી. અરજી કરીને ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં લાંચનુ છટકું ગોઠવતાં પોલીસ કોન્સ્ટેબલ પરમારે આ દરમ્યાન ફરીયાદી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા ત્રણ લાખની માંગણી કરી સ્વિકારી લેતાં એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શાહીબાગ નજીક કેમ્પ હનુમાન પાસેના બસસ્ટેન્ડ પાછળ અનાર્મ લોકરક્ષક હરદઈપસિંહ પરમારે ત્રણ લાખની લાંચ જેવી સ્વિકારી એવી તુરંત એસીબી પોલીસ આવી પહોંચી હતી. આ પછી આરોપી પરમારને એ.સી.બી.એ ડીટેન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપમાં આર.આઇ.પરમાર,પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. ટીમે સફળતા મેળવી હતી. જેમાં સુપરવિઝન અધિકારી તરીકે કે.બી.ચુડાસમા, મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ હતા.