ગાંધીનગરઃ કેફી પેડાનો પ્રસાદ ખવડાવી ઘરમાંથી રૂ. 3.28 લાખના દાગીનાની લૂંટ કરી મહિલા ફરાર

આ દરમિયાન મહિલાએ ઘરમાંથી રૂ. 3.28 લાખના દાગીના લૂંટીને સિફતપૂર્વક ગામમાં પલાયન થઈ ગઈ હતી.
 
ચોર

અટલ સમાચાર, ડેસ્ક


ગાંધીનગરના રાયપુર ગામમાં વડવાળા વાસમાં એકલી રહેતા 55 વર્ષીય વૃદ્ધાને નરોડાથી આવી હોવાની ઓળખાણ આપી અજાણી મહિલાએ ઘરની બાજુના દશામાંના મંદિરે માનતા પૂર્ણ કરવાના બહાને લઈ ગઈ હતી. બાદમાં પૂજા પાઠ કર્યા પછી પાણી પીવાના બહાને વૃદ્ધાનાં ઘરે જઈને કેફી પેડાનો પ્રસાદ ખવડાવી ઘરમાંથી રૂ. 3.28 લાખના દાગીનાની લૂંટ કરીને મહિલા ફરાર થઈ જતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.
 
ગાંધીનગરના રાયપુર ગામમાં એકલા રહેતાં મધુબેન ઠાકોરનાં ઘરે સાંજના સમયે એક અજાણી મહિલા નરોડાથી આવી હોવાની ઓળખાણ આપી હતી. જેણે નજીકના દશામાંના મંદિરે માનતા પૂર્ણ કરવા માટે મધુબેનને સાથે આવવા માટે કહ્યું હતું. આથી મધુબેન અજાણી મહિલાની વાતોમાં આવીને તેની સાથે મંદિરે ગયા હતા.
 
મંદિરમાં પૂજા પાઠ કરી માનતા પૂર્ણ કર્યા પછી મહિલાએ પાણી પીવાનું કહેતા મધુબેન તેને પોતાના ઘરે લઈ ગયા હતા. જ્યાં ઔપચારિક વાતચીત થયા પછી દશામાં મંદિરે ચડાવેલા પેડાનો પ્રસાદ મધુબેનને આપ્યો હતો. જે ખાતા જ થોડીવારમાં મધુબેન બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન મહિલાએ ઘરમાંથી રૂ. 3.28 લાખના દાગીના લૂંટીને સિફતપૂર્વક ગામમાં પલાયન થઈ ગઈ હતી.
 
બીજા દિવસે સવાર સુધી મધુબેન નહીં દેખાતા પાડોશીએ ઘરે તપાસ કરતાં વૃદ્ધા બેહોશ અવસ્થામાં પડ્યા હતા. જેમને ઘણો ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ શરીરમાં કોઈ હલચલ નહીં દેખાતાં કઈ અજુગતું બન્યું હોવાની શંકા સેવી પાડોશીએ તેમની દીકરીને જાણ કરી હતી. જેથી સાસરીમાંથી વૃદ્ધાની દીકરીઓ ગામમાં દોડી આવી હતી. બાદમાં મધુબેનને સારવાર અર્થે દહેગામ હોસ્પિટલ લઈ ગયા હતા.
 
ત્રણ દિવસ પછી મધુબેન ભાનમાં આવ્યા હતા અને ઘરે જઈને તપાસ કરતા ઘરમાંથી અજાણી મહિલા દાગીનાની લૂંટ કરીને નાસી ગઈ હોવાની જાણ થઈ હતી. જેનાં પગલે મધુબેને ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. આ અંગે પીએસઆઇ એ.એ. વછેટાએ જણાવ્યું હતું કે, અજાણી મહિલાએ નરોડા રહેતી હોવાની ઓળખાણ આપીને દશામાંના મંદિરે માનતા પૂર્ણ કરવાના બહાને વિશ્વાસ સંપાદન કરી કેફી પેડાનો પ્રસાદ આપીને દાગીના સેરવી લીધા હતા. હાલમાં ગામના સીસીટીવી ફુટેજની ચકાસણી ચાલી રહી છે.