ઘટસ્ફોટ@ગાંધીનગર: સચિવાલય પ્યુન મર્ડર કેસમાં પ્રેમ પ્રકરણ, પત્નીના પ્રેમીએ જ દેશી પિસ્તોલથી ગોળી મારી હત્યા કરી

 
Murder 02

અટલ સમાચાર, ડેસ્ક 

ગાંધીનગરના સચિવાલયમાં પ્યુન તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતા ઈન્દ્રોડા ગામના કિરણજી મકવાણા નામના યુવાનની હત્યા મામલે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. યુવકની હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે. મૃતકના પત્નીને ગોજારિયાંના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
 
ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું કે, યુવકની હત્યા બાદ હત્યારાઓનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેથી બંનેને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ દરમિયાન તેમની દેશી પિસ્તોલ કે જેના દ્વારા હત્યા કરવામાં આવી હતી, તે ત્યાં પડી ગઈ હતી. જે પોલીસને મળી આવી હતી. જે બાદ પોલીસે ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપી જીતેન્દ્ર પટેલ અને જૈમિન રાવળની ધરપકડ કરવામાં આવી હતી.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, મૃતકની પત્નીનું બેક ગ્રાઉન્ડ તપાસતા પ્રેમીલાના જીતેન્દ્ર કિરીટભાઇ પટેલ (રહે. ગોઝારીયા) સાથે પ્રેમસબંધ હોવાનું બહાર આવ્યું હતું. જીતેન્દ્રને પોતાની પત્ની પસંદ ન હોવાથી તે પ્રેમીલા સાથે રહેવા માંગતો હતો. આથી કિરણનો કાંટો કાઢવા તેને મન બનાવી લીધું હતું. કિરણની હત્યા કરતા પહેલા તેની બે દિવસ રેકી પણ કરવામાં આવી હતી અને બાદમાં ગાંધીનગરમાં તેની હત્યા કરવામાં આવી હતી.  આ ઉપરાંત તેઓ જે બાઈક લઈને આવ્યા હતા, તેનો નંબર ઈનોવા કારનો હોવાનું સામે આવ્યું હતું. રાજસ્થાનથી દેશી પીસ્તોલ લાવ્યો હોવાનું બહાર આવ્યું છે.

શું છે સમગ્ર બનાવ ? 

ગત 26 સપ્ટેમ્બરે પાટનગર ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની પાસે યુવકની પોઈન્ટ બ્લેંક રેન્જથી ગોળી મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી. ઈન્દ્રોડા ગામના સચિવાલયમાં પ્યુન તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કિરણ મકવાણા નામના યુવકની સેક્ટર 10માં હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈ ગાંધીનગર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.  પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તથા વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી અને ગોઝારીયા ગામના આરોપી જીતેન્દ્ર પટેલ અને જૈમિન રાવળની ધરપકડ કરી હતી.