ગાંધીનગરઃ સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડીનાં પુરુષ ઉમેદવારોએ ફરીવાર ધરણાં પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો

અટલ સમાચાર, ડેસ્ક
અગાઉ બે વખત લોકરક્ષક દળની ભરતીમાં જ વેઈટિંગ લિસ્ટ બહાર પાડવાની જાહેરાત થઈ હતી પરંતુ અમલવારી નહોતી થઈ. એલઆરડી માટે 12 હજાર જેટલી ભરતીની જાહેરાત કરાઈ હતી અને તેના 20 ટકા મુજબ ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું . જો કે પુરુષ ઉમેદવારોએ 2485 મહિલા ઉમેદવારોની સમકક્ષ પુરુષ ઉમેદવારોની પણ સંખ્યા વધારવાની માંગણી ઘણા વખતથી કરવામાં આવી રહી છે.
LRDમાં મહિલા ઉમેદવારોની બેઠક વધારવાનો નિર્ણય સરકારે લીધા બાદ પુરૂષ ઉમેદવારો માટેની બેઠક પણ વધારવાની માંગણી પ્રબળ બનતી જઈ રહી છે. જે અન્વયે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડીનાં પુરુષ ઉમેદવારોએ ફરીવાર ધરણાં પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો.
LRD મામલે વિવાદનો અંત આવતો નથી. ફરી ગાંધીનગરની છાવણીમાં LRD ભરતીમાં અન્યાય થયાના આરોપ સાથે પુરુષ ઉમેદવારો દ્વારા આજે ધરણાં કરાયા હતા. 35થી વધુ પુરુષ ઉમેદવારોએ ધરણાં કર્યા હતા. આ ઉમેદવારોની માંગ છે કે, મહિલાઓની જેમ પુરુષ ઉમેદવારોની બેઠકો વધારવામાં આવે.લોકરક્ષક દળની ભરતીના વેઈટિંગ લિસ્ટની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો આજે ફરીવાર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે . સરકારે વેઈટિંગ લિસ્ટ બહાર પાડવાની જાહેરાત કરી હતી . અગાઉ એપ્રિલ મહિનામાં ગૃહ વિભાગે તાત્કાલિક વેઈટિંગ લિસ્ટ બહાર પાડીને નિમણૂકો આપવાની જાહેરાત કરી હતી. પરંતુ જુલાઈ મહિના સુધી જૈસે થે જેવી સ્થિતિ હતી જેના લીધે ઉમેદવારોએ ધરણાં પ્રદર્શન કર્યું હતું.