કાર્યવાહી@ગુજરાત: વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો, વહેલી પરોઢે પંચશીલમાં ACB ત્રાટકી, પરિવાર ગાયબ

અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. વાત જાણે એમ છે કે, એક અઠવાડિયા પહેલા 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં આજે વહેલી પરોઢે વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમે તપાસ આદરી છે. ગાંધીનગરમાં વહેલી સવારે 4 વાગ્યથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગર ACBટીમે 15 વર્ષ અગાઉના એક કેસમાં તપાસ અર્થે રેડ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
ગાંધીનગરના માણસા રોડ પર પંચશીલ બંગલો પર કરેલી તપાસમાં ACBની ટીમને 31 હજાર રોકડ રકમ હાથ લાગી છે તેમજ તે સિવાય અન્ય દસ્તાવેજો પણ કબ્જે કરાયા છે. જોકે મહત્વની વાત એ છે કે, વિપુલ ચૌધરીના પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરેથી ગાયબ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ગત ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
અર્બુદા સેનાનો વિરોધ
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગામેગામ ફરી અર્બુદા સેનાનું સંગઠન ઊભું કરી રહ્યા હતા. 18 સપ્ટેમ્બરના રોજ ધાનેરાના નેનાવા ગામે ભવ્ય આક્રોશ મહાસંમેલન યોજાયું હતું. જેમાં ચૌધરી સમાજના સંતો મહંતો કોંગ્રેસના ધારાસભ્યો અને અર્બુદા સેનાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. તમામ લોકોએ એક સુરે થઇ જણાવ્યું હતું કે, જો વિપુલ ચૌધરીને સાત દિવસમાં છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજીના માર્ગે ચાલવાને બદલે ભગતસિંહના માર્ગે ચાલી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ આવનાર ચૂંટણીમાં ભાજપને બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.