ગંભીર@ગુજરાત: નામ શિવા-શંકર ભગવાનનુ અને કામ ટેન્ડરમા કરોડોનું સેટિંગ્સનું, એજન્સીઓના ઓથા હેઠળ ભ્રષ્ટની મોડસ ઓપરેન્ડી

 
AI image
પોતાને ટેન્ડરનો સૂબેદાર સમજતો અને દક્ષિણ ગુજરાત છોડી સમગ્ર ગુજરાતમાં કોઈને ટેન્ડરમા ઘૂસવા નહિ દેવાની ચોંકાવનારી માનસિકતા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ગુજરાત સરકારના અનેક વિભાગો અને તેના હેઠળની અનેક કચેરીઓ‌ દ્વારા GeM ઉપર થોકબંધ ટેન્ડરો આવે છે. હવે કઈ કચેરીમાં કેવા પ્રકારની ખરીદીના ટેન્ડર આવશે તેના ઉપર એકમાત્ર ભ્રષ્ટાચાર કરવા બનાવેલી એજન્સીઓના આકાઓની બાજનજર રહેતી હોય છે. જેમાં ખાસ કરીને શિવા-શંકર ભગવાનનુ નામ ધરાવતી એજન્સીની ભ્રષ્ટાચાર માટે મોડસ ઓપરેન્ડી કલ્પના બહારની છે. સાહેબો સાથે યેનકેન પ્રકારે મિલન મુલાકાત કરી ટેન્ડરમા સેટિંગ્સ કરવા પૂર્વ આયોજિત ષડયંત્ર કરી ધાર્યું નિશાન પાડે છે આ ભ્રષ્ટ ઈસમ. ખૂબ જ ટૂંકા ગાળામાં શિવા શંકર ભગવાનના નામે એજન્સીના કર્તાહર્તા ભ્રષ્ટ ઈસમે કરોડોનો વેપાર કરી કરોડોની વધુની અપ્રમાણસરની સંપત્તિ એકઠી કરી લીધી છે. જાણીએ સમગ્ર અહેવાલ.

ગુજરાતમાં નાના મોટા અને વેપારીઓ વહેલી સવારથી દુકાન ખોલી ખરા તાપમાં દોડધામ કરી નાનો મોટો વેપાર કરી પોતાનું ગુજરાત ચલાવે છે. જ્યારે ફેક્ટરી કે કારખાનું ધરાવતાં મોટા વેપારીઓ પણ રોમટીરીયલ લાવી, ઉત્પાદન પ્રોસેસ કરી તનતોડ મહેનત કરી, લેબરો અને કર્મચારીઓને મહેનતાણું ચૂકવી જે વધે તેમાંથી ગુજરાન ચલાવે છે. હવે આ બધા પ્રામાણિક વેપારીઓ સિવાય ગુજરાતમાં અને તેમાં પણ પછાત વિસ્તારમાં એવા ભ્રષ્ટ વેપારી પેદા થયા છે કે જેઓ એકમાત્ર GeM ટેન્ડર થકી ઓનલાઇન વેપાર કરી બેનામી સંપત્તિ એકઠી કરી રહ્યા છે. તેમાં શિવા-શંકર ભગવાનનુ નામ વટાવી ખાતી એવી એજન્સીઓના ભ્રષ્ટ કર્તાહર્તા કોઈપણ ફેક્ટરી કે કારખાનાં વગર મહિનામાં જ કરોડોનો વેપાર ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી કરે છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ એજન્સીઓનો ભ્રષ્ટ કર્તાહર્તા ઈસમ જાણે સબ બંદરના વેપારી હોય તેમ GeM ઉપર કોઈપણ વેપાર કરવાનો, કોઈપણ વસ્તુ ખરીદવા ટેન્ડર આવે તો પણ વેપાર કરી દે, શરત એકમાત્ર ભ્રષ્ટાચારનુ સેટિંગ્સ હોવું જોઈએ. શિવા શંકર ભગવાનનુ નામ ધારણ કરી આ એજન્સીના ભ્રષ્ટ ઠેકેદારે પછાત જિલ્લામાં ભ્રષ્ટાચારનો ભોરિંગ કર્યો અને ત્યારબાદ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત જ્યાં સેટિંગ્સ થાય ત્યાં કોઈપણ ચીજનો વેપાર બેઠાં બેઠાં કરવા મોડસ ઓપરેન્ડી બનાવી દીધી છે.

શંકર ભગવાનનુ પવિત્ર નામ અને તેના લાગતાં વળગતી એજન્સીઓ એકમાત્ર ભ્રષ્ટાચાર કરવા બનાવી રોજ ઊઠીને તેનો કર્તાહર્તા ભ્રષ્ટ, ચાલાક, દગાબાજ ઈસમ વિવિધ કચેરીના સાહેબો અને નેતાજીને મળવા પહોંચી જાય છે. ફોનમાં અને રૂબરૂમાં જી સાહેબ જી સાહેબ કરી, ટકાવારી કે અન્ય લોભામણી સ્કિમ આપી અથવા જે જરૂરિયાત હોય તે જાણી ટેન્ડર ઉપર કબ્જો મેળવે છે. નીચેના ફકરામાં વાંચો ઘટસ્ફોટ.

આ ભ્રષ્ટાચારી ઠેકેદારને કેટલાક વર્ષો પહેલાં ટેન્ડરનો "ટ" પણ નહોતો આવડતો પરંતુ દક્ષિણ ગુજરાતના હોશિયાર બંધુઓનો વિશ્વાસ કેળવી ચતુરાઇ પૂર્વક શીખી લઈ પાછળથી વિશ્વાસઘાત કરી દક્ષિણ ગુજરાતના જાંબાઝ બંધુઓને ખદેડી ભ્રષ્ટાચારની જાળ બિછાવી દીધી હતી. આ પછી શિવા શંકર ભગવાનના નામે બીજી અનેક એજન્સીઓ ખોલી ભ્રષ્ટ ઈસમે ઓનલાઇન પોર્ટલ ઉપર બેફામ કૌભાંડ થકી વેપાર શરૂ કરવા સાહેબો, નેતાજીને મળી રીતસર વગર દુકાને અને વગર ફેક્ટરીએ કરોડોનો કારોબાર ફેલાવી દીધો છે.

નેતાજીને વિવિધ પ્રસંગોમાં સહકાર આપવાનો કારસો રચી અને સાહેબો સમક્ષ નિર્દોષતાનો ડહોળ કરી જીહજૂરી બતાવી વર્ષે દહાડે 50 કરોડ ઉપરનો બોગસ વેપાર કરી લે છે. દુકાનદારો આખો દિવસ દુકાનમાં બેસી પરસેવે રેબઝેબ થાય, ફેક્ટરીવાળા લેબરોને પગાર ચૂકવવામાંથી ઉંચા ના આવે પરંતુ શિવા-શંકર ભગવાનનુ નામ ધરાવતી એજન્સીનો ભ્રષ્ટ ઠેકેદાર ઓનલાઇન કરોડોની વસ્તુઓ વેચી બેનામી, અપ્રમાણસરની, ટેક્ષચોરીની અને ષડયંત્રથી ભરેલી આવક બનાવી રહ્યો છે. વાંચો નીચે ભ્રષ્ટાચારી લાઇફસ્ટાઇલ

આ ભ્રષ્ટાચારી ઈસમ છેક દૂરથી મોંધીદાટ ઈનોવા કાર ડ્રાઇવર સાથે લઈને ગાંધીનગર દોડી આવે છે. દર અઠવાડિયે ગાંધીનગર આવી, મોંઘીદાટ હોટેલમાં રોકાઇ ફોન ઉપર ગોઠવણ કરી, મોટા સાહેબો અને નેતાઓને મળી આખાય ગુજરાતમાં ઈચ્છા થાય ત્યાં ટેન્ડરનુ સેટિંગ્સ પાડે છે. જો ભૂલથી પણ કોઈ વેપારી કરોડોના ટેન્ડરમા ભાગ લે તો આ શિવા-શંકર ભગવાનનુ નામ ધારણ કરતી એજન્સીનો ભ્રષ્ટ ઈસમ યેનકેન પ્રકારે પ્રામાણિક વેપારીને ખદેડી મૂકવા જાળ પાથરે છે. જો પ્રેમથી વેપારી ખસી થાય તો ઠીક નહિ તો સામ દામ દંડ ભેદ કરી સાહેબો સમક્ષ એવી રમત ગોઠવે કે પ્રામાણિક વેપારી આખરે હટી જાય છે. 

તમે કલ્પના નહિ કરી શકો ત્યાં સુધી એકમાત્ર સરકારમાંથી લખલૂંટ નાણાં લૂંટવાની આ ભ્રષ્ટાચારી ઈસમની માનસિકતા છે. માત્ર તેનો સ્થાનિક જિલ્લો જ નહિ, આખાય ગુજરાતમાં જ્યાં પણ લાખો કરોડોના ટેન્ડર આવે તે મારા જ છે તેવી માનસિકતા રાખી કંઈપણ ચીજવસ્તુ હોય તેનો ભ્રષ્ટ વેપાર કરે છે. ફેક્ટરીવાળા, શોરૂમવાળા, મોટા ડિલરો જે વસ્તુઓ વર્ષોથી વેચતાં હોય તેવી વસ્તુઓનો આ ભ્રષ્ટાચારી ઈસમને નાવા નિચોવાનો સંબંધ ના હોય, કોઈ અનુભવ ના હોય તો પણ તેવી વસ્તુઓ વેચી રહ્યો છે આ ખૂંખાર ભ્રષ્ટાચારી ઈસમ. જો ગુજરાત સરકારની આર્થિક ગુન્હા નિવારણ શાખા, કેન્દ્રની સીબીઆઇ, ઈડી કે પછી લોકાયુક્ત સહિત કોઈપણ ધારે તો આ ભ્રષ્ટાચારી વિરુદ્ધ ઢગલાબંધ કાર્યવાહી થાય તેમ છે.