ચોંક્યા@કલોલ: તાલુકા પંચાયતના સ્વભંડોળના રૂ.5 કરોડના વેપારથી નવા પ્રમુખ,ડેલિકેટો અજાણ, ટીડીઓ સામે સવાલો
Jun 8, 2026, 18:13 IST
જૂના પ્રમુખની ટર્મ પૂરી અને નવા પ્રમુખે સત્તા સંભાળી ના હતી એ દિવસ દરમ્યાન યુદ્ધના ધોરણે ટેન્ડરો કરી લીધા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
કલોલ તાલુકા પંચાયતના ટીડીઓ મનોજ શર્મા સહિતનાએ પ્રમુખ સહિત કારોબારીની ગેરહાજરી વચ્ચે રૂપિયા 5 કરોડનાં ટેન્ડરનો વેપાર કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને ડેલિકેટો સ્વભંડોળમાંથી રૂપિયા 5 કરોડના ટેન્ડર થયા બાબતે અજાણ રહ્યા છે ત્યારે વેપારની ખબર પડતાં ચોંકી ઉઠ્યા છે. ટીડીઓ શર્મા, ક્લાર્ક ચિરાગ સહિતનાએ કેમ તાત્કાલિક અસરથી ઓડીયો સાઉન્ડ, સીસીટીવી અને સ્માર્ટ લેબ ખરીદવા યુદ્ધના ધોરણે કામગીરી કરી તેના સામે હવે સવાલો ઉભા થયા છે. એક એક કામ 1.40 કરોડનું છે ત્યારે જૂના ડેલિકેટ અથવા જૂના ટીડીઓનો કોઈ દોરીસંચાર હતો કે નહિ તે બાબતે પણ મુંઝવણ અને સવાલો છે. આ બાબતે જ્યારે પ્રમુખને જાણ થઈ ત્યારે જણાવ્યું કે, અમને તો કંઈ જાણકારી જ નથી પરંતુ તાલુકા પંચાયતમાં સવાલ કરીશું. વાંચો સમગ્ર અહેવાલ.
ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકા પંચાયતના અધિકારી, કર્મચારીઓએ માત્ર 20 દિવસમાં સરેરાશ 5 કરોડની મટીરીયલ ખરીદી હાથ ધરતાં ખળભળાટ મચી ગયો છે. હમણાં ચૂંટણી પૂર્ણ થઈ એટલે જૂના સભ્યોનો રોલ પૂર્ણ થયો અને નવા પ્રમુખની વરણી બાકી હતી બરોબર આ સમયમાં ઓડિયો સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી કેમેરા, સ્માર્ટ ક્લાસ, લાઇટો સહિતની ખરીદીના ટેન્ડર અને એલ1 નું કામ પૂર્ણ કર્યું હતુ. 14 મે 2026 થી 30 મે વચ્ચે કોઈ પ્રમુખ કે કારોબારીએ સત્તા જ સંભાળી ના હતી એ દરમ્યાન આ 5 કરોડનો વેપાર હાથ ધર્યો હતો. હવે જ્યારે નવા આવેલા પ્રમુખ અને સભ્યોને ખબર પડી કે, જૂની કારોબારીએ મંજૂર કરેલ કામોના ટેન્ડર તાત્કાલિક કરી લીધા ત્યારે આશ્ચર્યચકિત થયા છે. આજે કલોલ તાલુકા પંચાયતમાં મળેલી સભા અને પ્રમુખ સાથેના સભ્યો વચ્ચે કરોડોના ટેન્ડરનો મામલો સૌથી વધુ ચર્ચાસ્પદ અને રસપ્રદ બન્યો હતો. હવે શું થશે વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું, ટીડીઓ શર્માને એવી તો શું ઉતાવળ હતી કે, તાત્કાલિક ધોરણે કરોડોના ટેન્ડર પાર પાડ્યા? કામ ભલે જૂની કારોબારીના હતા પરંતુ શું પાણી, ગટર, આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતના કામો છે ? સીસીટીવી અને સાઉન્ડ સિસ્ટમના કામોના ટેન્ડર નવા પ્રમુખ અને સભ્યોના માર્ગદર્શનથી ના થઈ શકે? આ કામોના ટેન્ડર તાત્કાલિક કરી ચોક્કસ એજન્સી કે ગૃપને જ વર્ક ઓર્ડર આપવા કોઈનો દોરીસંચાર છે? તમામ ટેન્ડરમા બનાવટી અને દેખાડો કરવા પૂરતી હરિફાઈ તેમજ નામ પૂરતી એલ1થી એલ3ના રેટ ઓફર કેમ ના કહેવાય? જો આ તમામ ટેન્ડર એકદમ પારદર્શક રીતે થાય તો સરકારને રૂપિયા 1 કરોડથી વધુની બચત થાય તેમ છે અને ટીડીઓ પણ આ બાબતે જાણે જ છે પરંતુ ટીડીઓ કહે છે કે, નવા કામમાં ધ્યાન રાખશુ.

