માણસાઃ ફેસબુક ઉપર યુવતિ બનીને પરિણીત યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો, 9.45 લાખની છેતરપિંડીં આચરી

અટલ સમાચાર, ડેસ્ક
ગાંધીનગરનાં માણસાનો પરિણીત યુવક પ્રેમ જાળમાં છેતરપિંડીંનો શિકાર બન્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની સાથે અણબનાવ હોવાથી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા ગઠિયાએ લગ્નની લાલચ આપી તેના ઈમોશનનો ફાયદો ઉઠાવી નેહા નામ ધારણ કરીને ભેજાબાજે એનકેન બહાને રૂ. 9.45 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાનાં માધ્યમથી ગઠિયાઓ છેતરપિંડીનાં ગુનાને અંજામ આપી રહ્યા છે. છતાં સાયબર ફ્રોડની અજ્ઞાનતાનાં કારણે નાગરિકો હની ટ્રેપનો શિકાર બની રહ્યા છે. આવો એક કિસ્સો માણસાનાં પરિણીત યુવક સાથે બન્યો છે. માણસાનાં પરિણીત યુવકને જાન્યુઆરી મહિના ફેસબુક ઉપર નેહા નામની યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જેનો સ્વીકાર કર્યા પછી યુવકને વાતચીતનો દોર શરૂ થયો હતો.
લાંબા સમયની વાતચીત દરમિયાન બંને એકબીજાની લાગણીઓ વાગોળતાં હતા. જેનાં કારણે યુવક બરાબરનો જાળમાં ફસાઈ ગયો હતો. એ દિવસ નેહા નામની યુવતીએ યુવકને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનાં કારણે યુવક બીજા લગ્નનાં સપના સેવવા લાગ્યો હતો. બાદમાં બંને વચ્ચે ફેસબુક મેસેન્જર થકી પ્રેમાલાપ શરૂ થયો હતો. ત્યારે સામેથી યુવતીનો મધુર અવાજ સાંભળીને યુવક ઓળઘોળ થઈ ગયો હતો.