સંભાવના@ગુજરાત: મુખ્યમંત્રીના શપથગ્રહણ બાદ બેઠક, મંત્રીમંડળમાં અનેક નવા નામ હોઇ શકે
સંભાવના@ગુજરાત: મુખ્યમંત્રીના શપથગ્રહણ બાદ બેઠક, મંત્રીમંડળમાં અનેક નવા નામ હોઇ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શનિવારે રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. જે બાદમાં રવિવારે કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઇ હતી. આજે બપોરે 2 વાગ્યા આસપાસ તેમની શપથવિધિ પુર્ણ થયા બાદ હવે નવા કેબિનેટને લઇ બેઠક યોજવામાં આવશે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો આ વખતે કેબીનેટમાં નવા નામો પણ હોઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. શપથવિધિ બાદ મંત્રી મંડળની રચનાને લઇને બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકાર ઉપસ્થિત રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મંત્રી મંડળમાં સામાજિક સમીકરણો, રાજકીય સમીકરણો પર ચર્ચા થશે. મંત્રીમંડળમાં નવા નામોને પણ સ્થાન મળી શકે છે. આજે સવારે શપથવિધિ પહેલાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિતિન પટેલ તથા વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. નવી સરકાર રચવા માટે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુભવી વિજય રૂપાણીનું માર્ગદર્શન અને સહયોગ માગ્યો હતો. તો આ તરફ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપવામાં આવી હતી. આજે બપોરે 2.20 વાગે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના રાજભવનમાં શપથ લેશે.

જાણો રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે

દાદાના નામથી પ્રખ્યાત ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાય છે. તેઓ ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. પાટીદાર સમાજના મજબુત પકડ ધરાવતા નેતા છે. તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતા. 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી. 1987 થી ભાજપ સાથે સંકળાયેલા છે ભુપેન્દ્ર પટેલ. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય હોવાની સાથે ભૂપેન્દ્ર પટેલની સંગઠન પર પકડ પણ મજબૂત છે.