નિવેદન@બનાસકાંઠા: ગેનીબેન ઠાકોરે લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધની કરી ટકોર, જાણો શું છે સમગ્ર મામલો ?

 
Geniben Thakor MLA Vav

અટલ સમાચાર, ડેસ્ક

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગેનીબેન ઠાકોરએ સમાજને ટકોર કરતું એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે બનાસકાંઠાના ઠાકોર સમાજમાં થતા લગ્ન પ્રસંગમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સમાજના અગ્રણીઓને અપીલ સાથે ટકોર પણ કરી હતી. તેમણે વડીલોને ટકોર કરતા લગ્ન પ્રસંગમાં DJ ની જીદ કરતા નવયુવાનોને સમજાવવાની વાત પર ભાર આપ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાનાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હર હંમેશ પોતાના નિવેદનને લઇને ચર્ચામાં બની રહેતા હોય છે. આ વખતે ગેનીબેને લગ્નમાં DJ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમજ કહ્યું છે કે, DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતી દીકરીઓને ઘરે લાવવાનું શું કામ છે? આવી જીદ કરતી દીકરીઓને તેમના મા-બાપે સમજાવવાની જરૂર છે. 

બનાસકાંઠા વાવના ધારાસભ્ય ગેનીબેનનો આ સમગ્ર નિવેદન આપતો વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં DJ પર પ્રતિબંધ મુકવાની ટકોર કરતો વીડિયો વાયરલ થયો છે. તેમણે ભાભરના ઈંદરવા ગામે યોજાયેલા કાર્યક્રમમાં ટકોર કરી હતી. જેમાં DJ વિના લગ્ન ન કરનારા યુગલો સામે નારાજગી વ્યક્ત કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અગાઉ ગેનીબેન ઠાકોરે કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવાની વાતની તરફેણ કરી છે. જ્યારે બીજી તરફ તેઓ સ્વરક્ષા માટે મહિલાઓને હથિયાર રાખવાની મંજૂરી આપવાની પણ વાત કરે છે. ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજે ઘડેલા તેમના સમાજના બંધારણ મુજબ કુંવારી દીકરીઓને મોબાઈલ આપવો ન જોઈએ અને તેનું સમર્થન ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કર્યું હતું. ગેનીબેને દીકરીઓને મોબાઈલ ન આપવા અંગે જણાવ્યુ કે મોબાઈલ વપરાશના કારણે સમાજમાં મોટી બદીઓ આવી છે. જેથી સમાજ-સુધારણા માટે માતા-પિતાએ તેમની કુંવારી દીકરીઓ પર મોબાઈલ પ્રતિબંધનું પાલનું કરાવવું જોઈએ.