રિપોર્ટ@ગુજરાત: લ્યો બોલો, હવે GETCOએ વિદ્યુત સહાયકની ભરતી કરી રદ્દ, જાણો શું છે કારણ ?

 
Getco

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (GETCO )એ વિદ્યુત સહાયકની ભરતી રદ્દ કરી દીધી છે. આ અંગે GETCOની હેડ ઓફિસ વડોદરાના નામે એક પરિપત્ર વાયરલ થયો છે. પરિપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસીસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા બે તબકકામાં હાથ ધરવામાં આવેલ. જેમાં પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા.૦૬/૦૩/૨૦૨૩ થી તા.૧૩/૦૩/૨૦૨૩ તથા લેખિત પરીક્ષા તા.૦૯/૦૯/૨૦૨૩ના રોજ યોજવામાં આવી હતી. કેટલાક ઉમેદવારો દ્વારા કચેરીને રજુઆત કરવામાં આવી છે કે, રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝૉન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવામાં આવેલ નથી. જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં સદર ક્ષતિ ધ્યાનમાં આવી છે.

Getco

ઉપરોકત હકીકતોને ધ્યાનમાં રાખીને રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝૉન હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ના થાય કે અસંતોષની લાગણી ના ઉદભવે તેમજ સક્ષમ અધિકારીની સુચનાને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝૉન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા આથી રદ્દબાતલ જાહેર કરવામાં આવે છે. જે ઉમેદવારોએ અગાઉની ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હોય તે જ ઉમેદવારો માટે નવી ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.