રિપોર્ટ@વડોદરા: GETCO ભરતી રદ્દ મામલે ઉમેદવારો આકરા પાણીએ, આખી રાત ઓફિસ આગળ બેસી રહ્યા

 
Getco

અટલ સમાચાર, ડેસ્ક

વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરી દેવાના જેટકોના નિર્ણય બાદ આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે, ત્યારે તેમના વતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ગઈકાલે (21/12/2023) જેટકો ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અત્યારે મોડી રાત સુધી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉમેદવારો સાથે GETCOની ઓફિસ આગળ બેઠા છે અને કહી રહ્યા છે કે, જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી અહીંથી હટીશું નહીં. 

ઉમેદવારોને સાથે રાખીને તેમણે GETCOના HR વિભાગના જનરલ મેનેજર સાથે બેઠક કરી હતી. એ પછી તેમણે કહ્યું હતું કે, GETCOના MDને અમે મળવા માટે ગયા હતા પણ MD મળ્યા નહોતા. આથી અમે આવેદનપત્ર આપ્યુ નથી. અમે GETCOના MDને આવેદનપત્ર આપ્યા વગર પાછા જવાના નથી. જો કે સવારથી મુલાકાત માટે બેઠેલા યુવરાજસિંહ અને ઉમેદવારો અત્યારે રાત્રે પણ GETCO ઓફિસ બહાર બેઠા છે અને પોતાની માંગણીથી પાછળ હટવા માંગતા નથી. તેમણે કહ્યું હતું કે, સમગ્ર મામલામાં ઉમેદવારોની કોઈ ભૂલ નથી. પોલ ટેસ્ટમાં ગેરરીતિ કે ગરબડ થઈ હોય તો તે માટે અધિકારીઓ જવાબદાર છે અને તેમની ભૂલનું પરિણામ વિદ્યાર્થીઓ ભોગવે તે યોગ્ય નથી. આ મામલે જલદ આંદોલન કરાશે અને જરુર પડી તો ઉર્જા મંત્રીના ઘર તેમજ ગુજરાત વિધાનસભાનો પણ ઘેરાવ કરવામાં આવશે.

મહત્ત્વનું છે કે, GETCO માં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા માટે નવેસરથી પરીક્ષા લેવા સામે પાસ થયેલા ઉમેદવારોએ કરેલા ભારે વિરોધ અને દેખાવોની GETCOના સત્તાધીશો પર કોઈ અસર થઈ નથી. જેટકો દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે અનુસાર ઉમેદવારોનો તા.28 અને 29ના રોજ પોલ ટેસ્ટ યોજાવામાં આવશે. જ્યારે 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા યોજવામાં આવશે. GETCOએ પોતાની વેબસાઈટ પર સતાવાર રીતે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે.

આ પોલ ટેસ્ટ માટે રાજકોટ ઝોનમાં 6 સ્થળો, ભરૂચ ઝોનમાં 3 સ્થળો અને મહેસાણા ઝોનમાં 3 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ માટે ઉમેદવારોને કોલ લેટર મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે સાત ડિસેમ્બરે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવશે. આમ અગાઉ પરીક્ષા પાસ કરનારા તમામ ઉમેદવારોની મહેનત પર GETCOની જાહેરાત બાદ પાણી ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 1224 જગ્યાઓ માટે અગાઉ લેવાયેલી પરીક્ષા પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો બાદ રદ કરી દેવાની જાહેરાત GETCO દ્વારા કરવામાં આવી હતી.