રિપોર્ટ@ગુજરાત: ઘોલ માછલીની કિંમત એક યુરોપ ટૂર પેકેજ જેટલી, બિયર-વાઇન-દવા બનાવવામાં છે ઉપયોગી
અટલ સમાચાર, ડેસ્ક
ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ દરમિયાન રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લઇને ઘોલ (બ્લેકસ્પોટેડ ક્રોકર) માછલીને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરી છે, પરિણામે માછીમારોની આવકમાં વૃદ્ધિ થશે. આ માછલી વૈજ્ઞાનિક રીતે પ્રોટોનિબિયા ડાયકાન્થસ તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતે કાળા ડાઘાવાળી હોય છે. ઔષધિય ગુણોના કારણે આ માછલી પૂર્વ એશિયામાં પ્રતિષ્ઠિત બનેલી છે. આયોડિન, ઓમેગા-3, ડીએચએ, ઇપીએ, આયર્ન, ટૌરિન, મેગ્નેશિયમ, ફ્લોરાઇડ અને સેલેનિયમ જેવા તત્વો તેમાંથી મળે છે. રાજ્યના મુખ્યમંત્રીએ તેને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરી છે.
કેન્દ્રીય મંત્રીની હાજરીમાં સાયન્સ સિટી ખાતે બે દિવસની વર્લ્ડ ફિશરીઝ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5000થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યાં હતા. ઉદ્દઘાટન પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ-વ્યવસાયકારો, માછીમારો, એક્સપોર્ટ્સ, પ્રોસેસર્સ, પોલીસી મેકર્સ, લોજિસ્ટિક ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે પ્લેટફોર્મ છે, તેમણે કહ્યું કે દેશના વિવિધ રાજ્યોએ તેમની સ્ટેટ ફીશ જાહેર કરી છે તેવી રીતે ગુજરાતે પણ ઘોષ માછલીને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરી છે તેથી માછીમારોને તેના ઉચિત દામ મળતા થશે. દેશના ફીશ એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા છે.
ગુજરાત સરકારે ઘોલ માછલીને સ્ટેટ માછલી તરીકે જાહેર કરી છે. જાણીને ચોકી જવાશે કે, ઘોલ માછલીની કિંમત યુરોપ ટુર પેકેજની બરાબર છે. આ મહામૂલી માચલીની વિદેશોમાં ધુમ ડિમાન્ડ છે. ઘોલ માછલી પકડીને ગુજરાતના માછીમારો વર્ષે દહાડે લાખો કરોડો રૂપિયા કમાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ઘોલ માછલી મોટા પ્રમાણમાં મળી આવે છે. ગુજરાતના દરિયાકિનારે ગોલ્ડન-બ્રાઉન રંગની ઘોલ માછલી વધુ પ્રમાણમાં છે. સામાન્ય રીતે ઘોલ માછલી દોઢ મિટર લાંબી હોય છે પણ જેટલી લાંબી માછલી એટલી કિંમત વધારે. માછલી બજારમાં લંબાઇના આધારે ઘોલ માછલીની કિંમત પાંચ લાખ સુધીની બોલાય છે. આ કારણોસર માછીમારો દરિયામાં વધુ પ્રમાણમાં ઘોલ માછલી પકડાય તેવા પ્રયાસો કરતાં હોય છે.