આનંદો@ગુજરાત: દિવાળી પહેલા STના ફિક્સ પગારના કર્મચારીઓને ભેટ, 30 % જેટલો પગાર વધારો

 
GSRTC

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળી પહેલા ગુજરાત સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓને 30 ટકા જેટલો પગાર વધારો આપવાની જાહેરાત કરી છે. નવા પગાર વધારાનો અમલ કરવા માટે નાણાં વિભાગની એક બેઠક મળી હતી. આ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવાળી પહેલા પગાર વધારાના નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગમાં ફરજ બજાવતા 70,000 જેટલા ફિક્સ પગારના કર્મચારીઓને 30 ટકા પગાર વધારો આપવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ત્યારબાદ જ એસટી બોર્ડ નિગમના ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા પગાર વધારાની માંગણી કરવામાં આવી રહી હતી. આ માંગને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા એસટી બોર્ડ નિગમના આશરે ત્રણથી ચાર હજાર જેટલા ફિક્સ પગાર કર્મચારીઓને પગાર વધારા માટે વિચારણા ચાલી રહી હતી. આ માંગને ધ્યાને રાખી રાજ્યના નાણાં વિભાગની એક બેઠક મળી હતી.

બેઠક બાદ પગાર વધારાની જાહેરાત કરતાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી 7 હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે. આ પહેલા એસટીના કર્મચારીઓને પગાર વધારાનો લાભ ન મળતાં વિવાદો થયા હતા. કર્મચારીઓએ હડતાળ પર ઉતરવાની પણ ચીમકીઓ આપી હતી. આ મામલે યુનિયનો પણ વિરોધ કરી અને મેદાને આવ્યા હતા. દિવાળી પહેલા એસટી કર્મચારીઓને પગાર વધારાથી દિવાળીના તહેવારોમાં પણ નોકરી કરીને મુસાફરોને લાભ આપે.