ભલામણ@ગાંધીનગર: આ ભાઇને નોકરી આપો, આટલી સુચનાથી તો "ભાઇને" જિલ્લા લેવલની નોકરી મળી ગઈ, હવે ચૂપ થઈ ગયા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાટનગર એવા ગાંધીનગરમાં તો ખરેખર નેટ એન્ડ ક્લિન વહીવટ ચાલતો હોય ને ? આ વાત બધાને સાચી જ લાગે પરંતુ કેટલીક ઘટના પછી આશંકાનો વાદળ ફાટે છે. ગ્રામ વિકાસ એજન્સીમાં બરાબર ફરજ બજાવતા નથી અને સુચના મુજબ કામગીરી કરતાં નથી એટલે ભાઇને છૂટાં કર્યા, ઓહોહોહો પછી તો આ ભાઇએ એવા તો જેક લગાયા કે એ જ હોદ્દા ઉપર વટ કે સાથ પાછાં નોકરી ઉપર આવી ગયા બોલો, હવે સમજો કે, નોકરીમાં માત્ર કહેનારે એટલું કહ્યું, આ ભાઇને નોકરી પાછી આપો, લ્યો આટલી સુચનાથી તો ભાઇને જીલ્લા લેવલની નોકરી પાછી મળી ગઈ. બરાબર રીતે નોકરી કરતાં નહોતા એ ભાઇ વટ કે સાથ પાછાં આવતાં એમડીનુ મહત્વ, ગરિમા, પારદર્શક વહીવટ, બોલ્યા મુજબ પાલન નહિ આ બધા સવાલો જીએલપીસીના એમડી સામે કાનનાં કણાની જેમ છે. સમજીએ આખો અહેવાલ.
ગાંધીનગર જીલ્લા પંચાયતની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મિશન મંગલમ નામની શાખા ચાલે છે જેનો વહીવટ ડીએલએમ કરે છે. આ ડીએલએમ એટલે જીલ્લા લાઇવલીહુડ મેનેજર અને આ હોદ્દા ઉપર જીતેન પારેખ છે. આ ભાઇને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના એમડીએ હોદ્દા ઉપરથી દૂર કરવાનું સાહસ તો કર્યું પરંતુ થૂંકેલું ચાટવું પડે તેવો ઘાટ સર્જાઈ ગયો છે. એમડીએ હુકમ કર્યો કે, આ જીતેન પારેખ લક્ષ્યાંક મુજબની કામગીરી કરી શકતા નથી અને ફલાણું ફલાણું હોવાથી હોદ્દા ઉપરથી દૂર કરીએ છીએ. જોકે છૂટાં થવાના ઓર્ડર સામે ડર છે નો, આ ભાઇએ તો એક જ ઝાટકે કામ પાર પાડી દીધું. જી, હા આ ભાઇ માટે અઢળક પ્રેમ આવી જતાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે ભલામણ કરી કે, આ ભાઇને નોકરીમાં પરત લો, ઓહોહોહો આટલી સુચનાથી તો ભાઇ વટ કે સાથ જીલ્લા લાઇવલીહુડ મેનેજર તરીકે ખુરશી ઉપર પાછાં આવી ગયા.
હવે સાલુ એ નથી સમજાતું કે, જે ભાઇની કામગીરી બરાબર નહોતી અને હોદ્દા ઉપરથી દૂર થયા એ જ ભાઇ ગણ્યાગાંઠ્યા દિવસમાં ફરી એ જ હોદ્દા ઉપર આવી જાય ? હા, હા આવું જ બન્યું છે, ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં, અને આ આખી વાત નિયામક પટેલ, ડીડીઓ સુરભી ગૌતમ અને જીએલપીસીના એમડી જાણતાં હોય પરંતુ હવે ચૂપ થઈ ગયા છે. નિયામક ફોન ઉપાડતાં નથી, એમડીના ફોન ઉપર રિંગ વગાડ્યે રાખો ઉપડે નહિ અને ડીડીઓ તો ક્યારેક ફોન ઉપાડતાં જ નથી. સેટિંગ્સ જેવી જણાતી આ ભલામણ અને આ ભલામણથી નોકરી પાછી મળતી હોવાનું લાગતાં છૂટાં થયેલાં કર્મચારીઓ પણ ભલામણ કરાવવામાં દોડધામ કરવા પ્રોત્સાહિત થયા છે.
જીગ્નેશ પટેલની વર્તણૂક બરાબર નથી, તો છૂટાં કર્યા બોલો,
ગાંધીનગર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ શાખામાં એપીએમ ડીસ્ટ્રીક્ટ તરીકે અગાઉ ફરજ બજાવતા જીગ્નેશ પટેલની કામગીરી બરાબર હોવાની વાત આવે છે, જોકે આ જીગ્નેશ પટેલને સુનાવણીની અધિક સંખ્યામાંથી પસાર થવા ના દીધા અને ઓર્ડર કર્યો કે, ભાઇ તમારી વર્તણૂક બરાબર નથી એટલે છૂટાં કરવામાં આવે છે. આ બંને ઘટના વચ્ચે જબરજસ્ત કડી બેસે છે. જો ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો છૂટાં વાળા કેમ છૂટાં થયા અને બીજા છૂટાં વાળા ભાઇ વટ કે સાથ પાછાં કેમ આવ્યા તે મોટો ઘટસ્ફોટ સર્જી શકે છે.