ખળભળાટ@ગોધરા: ભ્રષ્ટાચારીઓ સામે અટલ જંગની અસર, 74 લાખનાં કૌભાંડમાં 10 કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પંચમહાલ જિલ્લામાં હવે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કોઈ જ શેહશરમ રાખ્યા વગર કડકમાં કડક કાર્યવાહી માટે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા મહા અભિયાન છે. ગત દિવસે આરઓ પ્લાન્ટ બાબતે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ફરિયાદ કેમ નહિ તેના રિપોર્ટ બાદ મોટી અસર જોવા મળી છે. ગોધરા તાલુકા પંચાયત હેઠળના જ એક કૌભાંડમાં મસમોટી ઉચાપત અને ભયંકર ભ્રષ્ટાચાર મામલે ડીડીઓએ આખરે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છે. 48 કરોડના નાણાંપચના કામો અને 26 લાખના બીજા કામો મળી કુલ 72 લાખના કૌભાંડની હકીકતલક્ષી વિગતો સામે આવી છે. જેના આધારે આગામી ટૂંક સમયમાં ગોધરા ટીડીઓ કુલ 12 ઈસમો વિરૂદ્ધ આઇપીસી હેઠળ ગુનો દાખલ કરશે. જેમાં સરેરાશ 10 કર્મચારીઓ હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં વર્ષ 2015 થઈ 2019 દરમ્યાનના વિકાસ કામોમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની તપાસ ચાલતી હતી. નદીસર ગામમાં 14 માં અને 15 માં નાણાપંચના કામોની ચકાસણી થતાં સી.સી રોડ, પેવર બ્લોક, ગટર લાઇન તેમજ બોર કુવા સહિતના કામની સ્થળ તપાસ કરતાં ચોંકાવનારી વિગતો મળી હતી. સ્થળ તપાસ કરતાં ગામમાં અનેક કામો માત્ર કાગળ ઉપર જોવા મળ્યાં હતા. વર્ષ 2015-16ના 4 કામો, વર્ષ 2016-17 ના 7 કામો, વર્ષ 2017-18 ના 5 કામો, વર્ષ 2018-19 ના 6 કામો તથા વર્ષ 2019-20 ના 11 કામો સહિત 33 કામોની ચકાસણી થઈ હતી. જે પૈકી 19 કામો કાગળ ઉપર બતાવી રૂપિયા 48,19,661 આંચકી લીધા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે પંચમહાલ જિલ્લા વિકાસ અધીકારીએ ઉપાચતમાં સંડોવાયેલા તત્કાલીન 1 નિવૃત ના.કા. ઇજનેર, 1 નિવૃત્ત અ.મ.ઈ, 2 તત્કાલીન સરપંચ, 4 તત્કાલીન તલાટી, 4 તત્કાલીન અ.મ.ઈ મળીને કુલ 12 જણાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા ગોધરા તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું છે. જોકે કાર્યવાહીમાં ચોંકાવનારી વાત એ ધ્યાનમાં આવી કે, ડીડીઓએ 28/3/23 ના રોજ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છતાં હજુ સુધી ગોધરા ટીડીઓએ ગુનો નોંધાવ્યો નથી. આંતરિક વર્તુળોમાં ચર્ચા છે કે, ભ્રષ્ટાચારીઓ પોતાનાં વિરુદ્ધ ફરિયાદ ના થાય એ માટે ધમપછાડા કરી રહ્યા છે.
કોરા બિલ પર ચૂકવણું કર્યું
નદીસર ગામમાં વર્ષ 2015થી 2020 સુધી નાણાપંચ અને મનરેગા યોજનાના 73 જેટલા કામોની ચકાસણી થઈ હતી. જેમાં 19 જેટલા કામો સ્થળ ઉપર જોવા મળ્યા ન હતા. આ કામોમાં ભ્રષ્ટાચાર મળી આવતાં નાયબ ડીડીઓ દ્વારા ગ્રામ પંચાયતમાંથી તમામ કામોના બિલ સહિતનું રેકર્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. આ રેકર્ડની તપાસમાં કોરા બિલ પણ મળી આવ્યા અને તેમાં માત્ર ૨કમ લખી નાણાંનું ચુકવણું કરી દેવામાં આવ્યું હતુ. આટલો ગંભીર અને ભયંકર ભ્રષ્ટાચાર આચરનાર જે તે વખતના સરપંચ, તલાટી અને જે તે વખતના જવાબદાર કર્મચારીઓ મળીને કુલ 12 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવાનો હુકમ ડીડીઓ દ્વારા કરવામાં આવ્યો છે.