રિપોર્ટ@શિક્ષણ: રાજ્ય સરકારે યુનિવર્સિટી કરતા પણ વધુ પ્રવેશ રજિસ્ટ્રેશન ફી નક્કી કરી ? જાણો અહીં
અટલ સમાચાર, ડેસ્ક
સરકારે યુજી કોર્સીસમાં પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કર્યું છે અને જેમાં કોમન રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા યુનિવર્સિટીઓ કરતા પણ વધારે ફી નક્કી કરવામાં આવી હોઈ આ સીસ્ટમથી વિદ્યાર્થીઓને ફાયદો થશે કે નુકશાન તે પ્રશ્ન ઉભો થયો છે. કારણકે કેટલીક યુનિવર્સિટીઓમાં તો રજિસ્ટ્રેશન માટે ફી લેવાતી જ નથી.
રાજ્યની 14 સરકારી યુનિ.ઓમાં યુજી કોર્સીસના પ્રવેશ માટે સરકારે કોમન રજિસ્ટ્રેશન પોર્ટલ તૈયાર કર્યું છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર હવે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 2024-25થી આ હવે નવી સીસ્ટમ લાગું થનાર છે, ત્યારે આ પોર્ટલ પર વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે અને જે માટે 300 રૂપિયા ફી વિદ્યાર્થીએ ભરવાની રહેશે. પરંતુ મહત્ત્વનું એ છેકે જે 14 યુનિ. ઓમાંથી તો કેટલીક યુનિઓ તો રજિસ્ટ્રેશન ફી જ નથી લેતી.
મધ્યગુજરાત યુનિ.માં અને ભાવનગર યુનિ.માં ફોર્મ ફી કે રજિસ્ટ્રેશન ફી જ લેવાતી નથી. જ્યારે ગુજરાત યુનિમાં 125 રૂપિયા, સૌરાષ્ટ્ર યુનિ.માં 160 રૂપિયા, એસ.પી યુનિમાં 100 રૂપિયા, દક્ષિણ ગુજરાત યુનિ.માં 200 રૂપિયા ફોર્મ પ્રોસેસિંગ કે રજિસ્ટ્રેશન ફી, આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બીએ. બીકોમ માટે 100 રૂપિયા અને બીબીએ-બીસીએ માટે 300 રૂપિયા લેવાય છે.
ઉત્તર ગુજરાત યુનિ.માં અને જૂનાગઢની ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિ.માં સેન્ટ્રલાઈઝડ એડમિશન જ થતા ન હોવાથી કોલેજો પોતાની રીતે પ્રવેશ આપે છે, અને હવે કોમન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં પણ રજિસ્ટ્રેશન બાદ જ તે યુનિ.જ પ્રવેશ ફાળવણી કરવાની છે. તો પછી 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભર્યા બાદ હવે આ યુનિ.ઓએ શું કરવાનું તે પણ મુંઝવણ છે.