શક્યતા@ગુજરાત: પરીક્ષામાં થતી ગેરરીતિ રોકવા સરકાર એક્શનમાં, ભરતી પ્રક્રિયા જ બદલી નાખશે ?

 
Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ રોકવા માટે કડક કાયદો બનાવવા માટે આગામી બજેટ સત્રમાં બીલ લાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં પેપર લીક કરનાર અને પેપર લીકની ઘટના સાથે સંકાળેયેલા લોકો સામે કડક પગલા ભરાય અને તેમને સજા મળે તેવી જોગવાઈઓ રખાશે. આ સિવાય ભરતી પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે. જેમાં નગરપાલિકાઓ દ્વારા યોજવામાં આવતી ભરતી પણ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી શકે છે.

 

આ સાથે પેપર લીકની ઘટના રોકવા માટે નવો કાયદો લાવવાની સાથે ભરતી પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવશે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવી શકે છે. પાછલા ઘણાં સમયથી નાની-મોટી પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ બની રહી છે, આ કારણે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને સરકારની છબી પણ ખરાબ થઈ રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક જ ઓથોરિટીની રચના કરવાની સરકાર દ્વારા તૈયારી કરાઈ રહી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અલગ-અલગ સંસ્થાના બદલે એક જ સંસ્થા દ્વારા તમામ વિભાગોની વર્ગ-3ની પરીક્ષા લેવાશે. જેમાં એવી રચના કરવામાં આવી શકે છે કે એક મુખ્ય સંસ્થા દ્વારા પરીક્ષા યોજીને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવે.

 

આ સાથે નવી વિચારણા ચાલી રહી છે તેમાં એવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નગરપાલિકાઓ દ્વારા જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેને પર રાજ્ય સરકાર પોતાના હસ્તક લઈને ભરતી પ્રક્રિયા હાથ ધરી શકે છે. નગરપાલિકામાં ભરતી પ્રક્રિયામાં થતી ગેરરીતિ અટકાવવા માટે આ મોટો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. હાલ આ મામલે નિષ્ણાંતોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિને અટકાવવા માટે આગામી બજેટ સત્રમાં સરકાર મોટી જાહેરાત કરી શકે છે.