બ્રેકિંગ@ગુજરાત: ઝેરી પાણી પીવાથી 25થી વધુ ઊંટના મોત બાદ GPCB એક્શનમાં, ONGCને 50 લાખનો દંડ

 
Bharuch

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચનાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટ ના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. તેલના દરિયા ઉપર તરત સૂકાભંઠ વિસ્તાર સમાન ભરૂચ જિલ્લામાં ONGCની પાઇપલાઇનમાં લિકેજના કારણે ક્રૂડઓઇલ મિશ્રિત પાણી કચ્છીપુરા નજીક એકત્ર થયું હતું જે પીવાથી ઊંટના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ મામલે સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચવા ઊંટના પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે પણ લીકેજના કારણે ઓઈલનું નાનું તળાવ બનવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGC ને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારી દેવામાં આવ્યો છે.

પશુઓના મોતની ઘટનાની GPCB એ ગંભીર નોંધ લીધી છે. ઊંટના મોતની ઘટના સામે આવ્યા બાદ GPCB એ પાણીના સેમ્પલ લીધા હતા જેના પૃથ્થકરણના અહેવાલ સામે આવ્યા બાદ ઓએનજીસી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઓએનજીસીની ક્રૂડની લાઇન લીકેજ થવાથી પાણી એકત્રિત થયું હતું જે પાણી ઊંટે પીધું હતું.

સૂત્રો મુજબ ક્રૂડઓઇલ કચ્છીપુરાની જમીન ઉપર એકત્ર થઈ અહીં નાનું તળાવ બની ગયું હતું. આ ઓઇલ ONGC ની ક્રૂડઓઈલની પાઈપલાઈનમાં લીકેજના કારણે અહીં એકઠું થયું હતું. ઓઈલથી પર્યાવરણને નુકસાન પહોંચાડવાના કારણે 50 લાખનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત GPCB એ લીકેજ અટકાવી ઓઇલ દૂર કરવા આદેશ કર્યા છે. ONGC એ આદેશ મળતા તાત્કાલિક ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળે ટેક્નિકલ ટીમ રવાના કરી લીકેજ બંધ કરાવી ઓઈલનો વૈજ્ઞાનિકરીતે નિકાલ કરવાની પ્રક્રયા શરૂ કરી છે. આખા મામલાને લઈ ONGC તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આ તરફ ઊંટના પીએમ રિપોર્ટના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. હાલમાં જે પગલાં ભરાયા છે તે કચ્છીપુરામાં ઓઇલ લાઈનમાં લીકેજના કારણે પર્યાવરણને નુકસાનને લઈ કાર્યવાહી કરાઈ છે. તંત્ર હજુ મૃત્યુ પામેલા ઊંટના પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. આ અહેવાલ ઊંટના મોતનું કારણ પણ આ OIL હોવાનો સ્પષ્ટ ઈશારો કરે તો ONGC સામે વધુ કાર્યવાહી પણ થઇ શકે છે.