હડકંપ@ગોધરા: બનાવટી સોફ્ટવેરના આધારે રેશનકાર્ડ ધારકોનું અનાજ ચાઉં કરવાનું કૌભાંડ, જાણો અહીં
અટલ સમાચાર, ડેસ્ક
પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા શહેરમાંથી બનાવટી સોફ્ટવેરના આધારે રેશનકાર્ડ ધારકોનું અનાજ ચાઉં કરી જવાનું કૌભાંડ પકડાયું છે. ગરીબોના હકનું અનાજ ચાઉ કરવા માટે સસ્તા અનાજ દુકાનદારોએ અનોખો કિમિયો અપનાવ્યો અને આ માટે આકહું બનાવટી સોફ્ટવેર ઊભું કરી દીધું.
ગોધરા શહેરના તીરગરવાસમાં આવેલી ધી નવયુગ સહકારી મંડળી નામની સસ્તા અનાજની દુકાનના સંચાલક તેમજ સ્ટાફ દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યુ છે. NFSA યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતા અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ અન્ય સોફ્ટવેર તૈયાર કર્યું. આ બનાવટી સોફ્ટવેરમાં રેશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ કરાઈ હતી. 29 રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ મોબાઈલ સોફ્ટવેરમાં સેવ રાખી 3 વર્ષથી અનાજ ઉપાડી લેવાતું હતું. તપાસમાં 4 મૃત રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી તેમનું પણ અનાજ ઉપાડ્યું હોવાનું સામે આવ્યું છે. કુલ રૂ.42898નો અનાજનો જથ્થો સગેવગે કરાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાની તપાસમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. સમગ્ર કૌભાંડને લઇને સસ્તા અનાજની દુકાનના સંચાલક યુનુસ ભટુક સહિત ચાર ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જીલ્લા પુરવઠા અધિકારીએ એક લેપટોપ, 3 મોબાઈલ કબ્જે કરી પોલીસને હવાલે કરતા પોલીસે તમામ મુદ્દામાલને FSLમાં મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે.