ઘટસ્ફોટ@દાહોદ: ખોટી સહીઓથી ચૂકવાઇ ગઈ ગ્રાન્ટ, કોન્ટ્રાક્ટર છે ભારેખમ, ખુદ કર્મચારીએ ભાંડો ફોડ્યો

 
Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ફતેપુરા તાલુકામાં મનરેગાના અત્યાર સુધીના સૌથી મોટા અને પગ તળેથી જમીન હલી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. તાલુકા પંચાયતના મનરેગા માટે મટીરીયલ આપતી એજન્સીને અગાઉના કામોની હમણાં ગ્રાન્ટ ચૂકવાઇ છે. તેમાં કેટલાક કામોમાં બોગસ સહીઓ દ્વારા પેમેન્ટ ચૂકવાઇ ગયું હોવાનો ઘટસ્ફોટ ખુદ કર્મચારીઓએ કરતાં ખળભળાટ મચી ગયો છે. જીઆરએસ અને ટેકનીકલ સહિતનાએ તાલુકા પંચાયત અને જિલ્લામાં ચોંકાવનારી રજૂઆત કરી કે, આમલીયારની એજન્સીને ચૂકવાયેલ ગ્રાન્ટ પૈકી કેટલાક કામોમાં અમારી સહીઓ નથી. એટલે કે બોગસ સહીઓ આધારે જાણીજોઈને અથવા બેદરકારીથી બાહુબલી કોન્ટ્રાક્ટરે લાખોની ગ્રાન્ટ ચૂકવાઇ ગઈ છે. હવે આ કોન્ટ્રાક્ટર ભારેખમ હોવાથી સમગ્ર મામલે તપાસ કરવાને બદલે મામલો ઠંડો પાડવા મથામણ ચાલી રહી છે. આ કૌભાંડની તપાસ નહિ કરી માત્ર રિકવરી કરી ખળભળાટ શાંત પાડવા દોડધામ ચાલી રહી છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે મનરેગાના કામો થાય છે અને એટલી જ ઝડપે મટીરીયલ આપતાં કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ પણ ચૂકવાય છે. હવે આ હાઈસ્પીડમાં પેમેન્ટ લેવાની/ચૂકવવાની લ્હાયમાં બેદરકારીથી અથવા ઈરાદાથી ભ્રષ્ટાચાર થઈ ગયો છે. ફતેપુરા તાલુકાના નવાગામ અને ભિચોર ગામમાં ગત વર્ષે કરેલા સીસીરોડના પેમેન્ટની પ્રક્રિયામાં સરકારી કાગળોમાં ખોટી સહીઓ હોવાનો ખુલાસો થયો છે. બંને ગામોના કામોમાં સરેરાશ 15થી20 લાખની ગ્રાન્ટ ચૂકવવામાં પોતાની સહીઓ ના હોવાનું ખુદ મનરેગા કર્મચારીઓએ જણાવતાં ચકચાર મચી ગઈ છે. મનરેગા કર્મચારીઓએ ટીડીઓ અને ડીઆરડીએને લેખિતમાં જણાવ્યું છે કે, અમારી સહીઓ નથી. આવી સ્થિતિમાં ફતેપુરા તાલુકામાં મનરેગામા સૌથી મોટાં કાંડનો પર્દાફાશ થયો છે.

સમગ્ર મામલે વિગતો આપતાં મનરેગા કર્મચારી એડબલ્યુએમે જણાવ્યું હતુ કે, બંને ગામોના કામોની ગ્રાન્ટ આમલીયાર નામની એજન્સીને ચૂકવાઇ ગઈ છે અને તેના કોન્ટ્રાક્ટરને પરત કરવા જાણ પણ કરવામાં આવી છે. જોકે આ ભ્રષ્ટાચાર જાણીજોઈને અથવા બેદરકારીથી થવા મામલે તપાસનું પૂછતાં તે વિશે કોઈ ખબર ના હોવાનું કહ્યું છે. આ તરફ આમલીયાર નામની એજન્સીના બાહુબલી કોન્ટ્રાક્ટરના પિતાને પૂછતાં જણાવ્યું કે, હું કોઈ વહીવટ કરતો નથી છતાં પુત્રને પૂછી લઉં છું. સૂત્રોએ જણાવ્યું હતું કે, એજન્સીના ઠેકેદાર બાહુબલી હોવાથી તપાસને કોઈ હાથ અડાડવા પણ હિંમત ના કરતું હોય તેમ મનાય છે.