કૌભાંડ@પાટણ: અનેક ગ્રામ પંચાયતોમાં કામો વગર ગ્રાન્ટ વપરાઇ ગઇ, કાર્યવાહી રોકવા દોડધામ? સ્પેશિયલ રિપોર્ટ

 
Patan Jilla Panchayat

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ જિલ્લામાં ફરી એકવાર ગ્રામ પંચાયતોનો ચોંકાવનારો અને ગંભીર વહીવટ સામે આવ્યો છે. અનેક પંચાયતોમાં જમીન ઉપર કામો કર્યા નથી અને ગ્રાન્ટ ઉઠાવી લીધી છે. 14 માં નાણાંપંચ હેઠળ મળેલી ગ્રાન્ટના અનેક કામો કર્યા વગર નાણાં વપરાઇ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ચાણસ્મા, શંખેશ્વર અને સાંતલપુર તાલુકાના સરેરાશ 35થી વધુ ગામોમાં સરપંચ, તલાટીએ ભેગાં મળીને ઉચાપત કરી હોવાની આશંકા છે. આથી કેટલાક સમય અગાઉ ડીડીઓ દ્રારા પત્ર લખીને કાર્યવાહીનો હુકમ પણ થયેલો છે. જોકે કોના કહેવાથી અને કોના આશીર્વાદથી મામલો કાચબા ગતિએ આવ્યો તેનો સ્પેશિયલ રિપોર્ટ સમજીએ....

પાટણ જિલ્લા પંચાયતે 14 માં નાણાંપંચ હેઠળ તાબા હેઠળની ગ્રામ પંચાયતોએ કરેલા કામો, ઉપલબ્ધ સિલક, ખર્ચની રકમ સહિતના હિસાબો ધ્યાને લીધા હતા. જેમાં ચાણસ્મા, શંખેશ્વર અને સાંતલપુર તાલુકાના કેટલાક ગામોમાં પગ તળેથી જમીન સરકી જાય તેવા આંકડા જોઈ ચકચાર મચી છે. ચાણસ્મા તાલુકાના સરેરાશ 15, શંખેશ્વર તાલુકાના 10થી વધુ અને સાંતલપુર તાલુકાના સરેરાશ 11 ગામોમાં 14 માં નાણાંપંચની ઉચાપત થઈ હોવાની પ્રબળ આશંકા મળી છે. આ ગ્રામ પંચાયતોના હદ વિસ્તારમાં મંજૂર થયેલા સરેરાશ 39 કામો જમીન ઉપર થયા જ નથી અને કામોની સરેરાશ 80 લાખની રકમ બેંક ખાતામાંથી ઉપડી ગઈ છે. આ બાબતની તપાસ ક્યારનીયે ચાલુ છે ત્યારે ડીડીઓ ડી.એમ સોલંકીએ અગાઉ ટીડીઓને સુચના આપી ધોરણસરની કાર્યવાહી કરવા પણ જણાવેલુ છે. જોકે આ ત્રણેય તાલુકાના ટીડીઓએ કોઈ જ કાર્યવાહી નહિ કરીને મામલો વિલંબમાં મૂક્યો છે. આગળ વાંચો કેવો થયો ઘટનાક્રમ..

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીડીઓએ રીતસર કાયદેસરની કાર્યવાહી એટલે કે, પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની વાત કરેલી છે. જોકે આમ છતાં અમલ નહિ થતાં સમગ્ર મામલો ડેપ્યુટી ડીડીઓ સંગીતા ચૌધરીને સોંપવામાં આવ્યો અને અહિંથી ટીડીઓને વારંવાર સુચના અપાઇ રહી છે. આ અંગે પૂછતાં ડેપ્યુટી ડીડીઓ સંગીતા ચૌધરીએ જણાવ્યું હતુ કે, વિલંબ થઈ રહ્યો હોઈ સંબંધિત ટીડીઓને દિન-3 માં હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો છે. જો આમ છતાં વિલંબ કરશે તો રૂબરૂ બોલાવી ડીડીઓની સુચના મુજબ કામગીરી કરીશુ. ઉચાપત છે કે કેમ ? તે અંગે સંગીતાબેને જણાવ્યું કે, પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી શક્યતા પણ જોવાઇ રહી છે.

કોણ ઈરાદાપૂર્વક વિલંબ કરી રહ્યું?

પ્રથમ દ્રષ્ટિએ સમગ્ર મામલો સરકારી નાણાંની ઉચાપત જણાવે છે, જોકે ઉચાપતની જેની ઉપર આશંકા છે તેઓને ન્યાયના હિતમાં તક આપવી અને પક્ષ રજૂ કરવાનું કહેવાય તે સ્વાભાવિક છે. હવે આ ઉચાપત નક્કી થાય તો આરોપી તરીકે તલાટી અને સરપંચ આવે, આથી ઉચાપતના કેસથી બચવા/બચાવવા અથવા મોટા માથાંની સંડોવણીની શક્યતા જોઈ/સમજી સમગ્ર મામલો તાલુકા અને જે તે ગ્રામ પંચાયત વચ્ચે અટવાઇ પડ્યો છે. જો ચાણસ્મા, શંખેશ્વર અને સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી કંઈ નહિ કરે તો જિલ્લા પંચાયતથી આદેશ કરવા પડે તેવી નોબત પણ સર્જાઈ શકે છે.