અસર@ડીસા: શંકાસ્પદ ઈ-વે બીલોની ખરાઇમાં લાગી જીએસટી, FSL અને પોલીસની મદદ લઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ડીસાની એન.પી ઈન્ડસ્ટ્રીઝ અને ફેક્ટરી પાટણની સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝના ધંધાકીય વહેવારમાં અત્યાર સુધી જે કોઈ ઘટનાક્રમ બન્યો તેમાં હવે સૌથી મોટી અસર સામે આવી છે. પાટણના વેપારી વારંવાર આક્ષેપ કરે છે કે, હિસાબના કરોડો રૂપિયા ભરવા ના પડે તે માટે પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે ચાર ઈસમોએ ખોટા ઈ-વે બીલ બનાવ્યા હતા. હવે આ શંકાસ્પદ ઈ-વે બીલ મામલે જીએસટી વિભાગે રૂબરૂ મુલાકાત કર્યા બાદ તેની ખરાઇ હાથ ધરી છે. નાયબ કમિશનરની સુચના બાદ તાબા હેઠળના કર્મચારીઓએ ઈ-વે બીલની વિગતો સહિતનું ક્રોસ ચેકીંગ શરૂ કર્યું છે. આ માટે ડીસાના વેપારી પાસેથી વિગતો મેળવી વધુ સ્પષ્ટતા કરવા પોલીસ સ્ટેશને પણ જીએસટીની ટીમ જશે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ કેવો આવ્યો વળાંક અને કરોડોના હિસાબમાં સાચું કોણ, ખોટું કોણ તે બહાર લાવવા જીએસટીની મથામણનો રિપોર્ટ જાણીએ.
ગત દિવસોમાં પાટણ બી ડિવિઝન પોલીસ મથકે દાખલ થયેલી ફરિયાદની વિગતો સમાચાર માધ્યમોમાં આવતાં એક જ સમાજના 2 વેપારી વચ્ચે ધંધામાં કેવો કાંડ થયો તે બહાર આવ્યું હતું. આ પછી પોલીસે કરોડોના હિસાબ, છેતરપિંડી કે ખોટા આક્ષેપો હોય તો પણ તે મુદ્દે તપાસ શરૂ કરેલી છે. આ દરમ્યાન ધંધો મોટો જણાતાં અને પોતાના વિભાગની ભૂમિકા જોતાં પોલીસ બાદ જીએસટી એકમે પણ ઝંપલાવ્યું છે. જેમાં સૌથી મોટો મુદ્દો ઈ-વે બીલ સાચા કે ખોટા નો છે. હવે આ ઈ-વે બીલની ઝીણવટભરી તપાસ થાય અને સાથે સાથે ગહન ક્રોસ ચેક થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે. આ દિશામાં મહેસાણા જીએસટીની સુચના બાદ પાટણ-ડીસા જીએસટી ટીમ તપાસ અર્થે પહોંચી પણ ખાસ અસર લાવી શક્યા નહોતા. 1 કરોડ 84 લાખની છેતરપિંડી મામલે જો જીએસટીની ટીમ ઈ-વે બીલની ખરાઇ કરે તો બધું સામે આવે તેમ છે. આ મામલે અટલ સમાચાર ડોટ દ્વારા મહેસાણા જીએસટીના અધિકારી કુંજલતાએ જણાવ્યું હતું કે, હા હવે ઈ-વે બીલની ખરાઇ કરવા તાબા હેઠળના કર્મચારીને સુચના આપી હોઈ તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં કેટલીક વિગતો માટે જરૂર પડશે ત્યારે પોલીસ સ્ટેશને પણ જવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીસાના અશોકભાઇ રસિકભાઈ કાનુડાવાળા, ભરતભાઈ કેશવલાલ, કાનુડાવાળા, પિંકેશભાઇ અશોકભાઇ કાનુડાવાળા, નિલેશભાઇ ભરતભાઈ કાનુડાવાળા વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે આઇપીસી 406,420,465,467,468,34 અને 114 મુજબ ગુનો દાખલ થયા બાદ તપાસ ચાલુ છે. જોકે, આક્ષેપ મુજબ જો ઈ-વે બીલ ખોટાં બનાવ્યા હોવાનું પકડાય તો મોટો ઘટસ્ફોટ થઈ શકે છે. આથી જીએસટી ટીમ દ્વારા હવે ડીસાના વેપારી પાસેથી, કોર્ટના સહકારથી અને પોલીસ સ્ટેશનથી બધી જ વિગતો એકઠી કરીને જરૂર પડશે તો ગાંધીનગર એફએસએલમાં તપાસ કરાવવા દોડધામ શરૂ કરી છે. સદર ઈ-વે બીલ નં.
661383625835,631383880096,671383489010,
611384257249,651383986557, 681384407931, 621385972878,691386262878 માં ભરેલી વિગતો કેટલી સાચી, ઈ-વે બીલ મામલે સામેવાળા વેપારી એટલે કે, પાટણના વેપારી પાસે ઉપલબ્ધ માહિતી, ટ્રાન્સપોર્ટ વાહન ચાલકોની વિગતો અને પોલીસે મેળવેલ વિગતો સહિતની માહિતી એકઠી થશે. આ તમામ પ્રક્રિયા બાદ ક્રોસ ચેકીંગ કરીને જીએસટીનો એક અહેવાલ તૈયાર થશે. આ અહેવાલ આધારે જીએસટી એકમ આગળ ધોરણસરની જોગવાઈ મુજબ રિપોર્ટ કરી શકે છે.