દર્દનાક@હળવદ : ડમ્પર સાથે કાર અથડાતાં 5 લોકોના મોત, 2 ગંભીર

કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાંથી પાંચ લોકોના ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયા
 
Haldvad
કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાંથી પાંચ લોકોના ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયા
 

મોરબી જિલ્લાના હળવદ તાલુકા નજીક આવેલા ચરાડવા વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા પાંચ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જી દીધો છે. મળતી માહિતી મુજબ, એક બાઈક અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે કેટલાક લોકો કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન ચરાડવા નજીક તેમની કાર માર્ગ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામી ગયો હતો અને વાહન રસ્તા પરથી દૂર ફંગોળાઈ ગયું હતું.

કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાંથી પાંચ લોકોના ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા બે JCB મશીનોની મદદ લેવામાં આવી હતી, જેના દ્વારા કારને કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 

ઘટનાના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે કાર અથડાતી દેખાઈ રહી છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા. અકસ્માતની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી છે.