ગુજરાતઃ અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી, આ તારીખે થશે ગાજવીજ સાથે માવઠું

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં ઉત્તર- પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે અને આગામી 24 કલાક દરમિયાન કચ્છમાં કોલ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે 24 કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જવાનું હવામાન વિભાગનું અનુમાન છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરમાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
પૂર્વ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતાં અને અરબસાગરમાંથી ભેજ આવતા તેની અસર ગુજરાતના ભાગોમાં થશે. 22 ડિસેમ્બરથી વાદળો છવાઈ જવાની શક્યતા રહેશે. ધીમે ધીમે વધુ વાદળો છવાતા રાજ્યમાં 24 ડિસેમ્બર બાદ માવઠું થવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદ વચ્ચે તાપમાન ઘટવાની શક્યતાને કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે. એટલે કે ઠંડી અને કમોસમી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. ઠંડી અને ત્યાર બાદ કમોસમી વરસાદની શક્યતાને કારણે ખેડૂતો ચિંતિંત બન્યા છે. વારંવાર વાતાવરણમાં આવતા પલટાને કારણે કૃષિ પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ઠંડું શહેર નલિયા નોંધાયું છે. નલિયાનું લઘુતમ તાપમાન 7.1 ડિગ્રી નોંધાયું છે. તો ડીસા અને પાટણમાં લઘુતમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું લઘુતમ તાપમાન 10.6 ડિગ્રી અને જૂનાગઢનું લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું છે. તો અન્ય શહેરોમાં પણ લઘુતમ તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે ઠંડી બાદ કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી છે.
'આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. આ પછીના બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. જેના કારણે ઠંડીમાં સાધારણ ઘટાડો અનુભવાશે. કચ્છમાં બે દિવસ કાતિલ ઠંડી અનુભવાશે સાથે સૂસવાટા સાથે ઠંડા પવન પણ ફૂંકાશે.