ગુજરાતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 15થી 18 વર્ષના બાળકો માટે વેક્સીનેશન અભિયાનનો પ્રારંભ કરાવ્યો
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે  3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો માટે શરુ થઈ રહેલા  કોરોના વેક્સીનેશન અભિયાનનો રાજ્યવ્યાપી  પ્રારંભ  ગાંધીનગર નજીકના કોબા ની જી.ડી. એમ કોબાવાલા હાઇસ્કુલથી કરાવ્યો. ભૂપેન્દ્ર પટેલ આજે  સવારે 7.30 કલાકે આ હાઈસ્કૂલમાં પહોંચીને 15થી 18 વર્ષના બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી  વેક્સીનેશન ડ્રાઇવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. સમગ્ર રાજ્યમાં અંદાજે 35 લાખથી વધુ બાળકોને આ રસીકરણનો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે.

મુખ્યમંત્રી આજે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 93 જેટલી શાળાઓના અંદાજે 20 હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે 3 જાન્યુઆરીથી શરુ થઇ રહેલા આ રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે  જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 13 શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનું આયોજન છે.

આ અંગે માહિતી આપતા આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, આજથી 15થી 18 વર્ષેના બાળકોને રસી આપવાનો પ્રારંભ કરી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અભ્યાનનો પ્રારંભ ગાંધીનગરથી કરાવ્યો છે. રસી આપ્યા બાદ બાળકને સામાન્ય તાવ આવી શકે છે. કોરોનાની ત્રીજી લહેર માટે અમે તૈયારી કરી લીધી છે. જે કોઈને લક્ષણ આવે તે ફરજિયાત ટેસ્ટ કરાવે. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો હોમ આઇસોલેટ અથવા ડોકટરની સલાહ પ્રમાણે હોસ્પિટલમાં દાખલ થઈ પોતાની સારવાર લેવામા આવે કોરોના સામે વધુને વધુ રસીકરણ કરવામાં આવે. આમ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે કામ કરી રહી છે.