ગુજરાતઃ અન્ન અને પૂરવઠા વિભાગ બનાવશે ‘રાશન’ એપ, ગ્રાહકોને થશે આ મોટો ફાયદો
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે જે ગરીબ પરિવારોએ અનાજ લીધું ન હોય અને તેમના નામે ખુલ્લા બજારમાં વેચી દેવામાં આવે છે તેવી પ્રવૃત્તિ આ એપ્લિકેશનથી બંધ થશે. પ્રત્યેક રાશનકાર્ડ ધારકનો ડેટા આ એપ્લિકેશનમાં ફીડ કરવામાં આવ્યો હશે. ખુદ ગ્રાહક તેની એપ્લિકેશનમાં જોઇ શકશે અને તેમના નામે બીજા કોઇએ અનાજ કે કરિયાણું લીધું હશે તો તે પકડી શકાશે. ગુજરાત સરકાર રેશનિંગની દુકાનોએથી અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ મેળવતા ગરીબ પરિવારોને ફાયદો થાય તેવી એક રાશન એપ્લિકેશન બનાવવા જઇ રહી છે. આ એપ્લિકેશનની મદદથી ભૂતિયા કાર્ડ પર રાશન લેતાં વચેટીયા દૂર થશે અને ગરીબોના નામે લીધેલું સસ્તુ અનાજ નફાખોરીથી બજારમાં જતું અટકાવી શકાશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ઘણી વખત અનાજની ગુણવત્તા બાબતે પ્રશ્ન ઉભા થાય છે. હવે ગ્રાહક એપ્લિકેશનની મદદથી સીધી ફરિયાદ પણ કરી શકશે. એટલું જ નહીં દુકાનદારોના વ્યવહાર અને વિતરણ વ્યવસ્થા અંગે રેટીંગ પણ આપી શકશે. આ એપ્લિકેશનનું લોન્ચિંગ 24મી ડિસેમ્બરે થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં 17024 કરતાં વધુ સસ્તા અનાજની દુકાનો આવેલી છે. આ સંચાલકોની વર્ષોથી એવી માગણી રહી છે કે તેમનું કમિશન વધારવામાં આવે. હવે સરકારે આ સંચાલકોના કમિશન વધારવાનો પણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી એક ક્વિન્ટલ અનાજમાં 108 રૂપિયા કમિશન આપવામાં આવતું હતું જે વધારીને 150 રૂપિયા કરવાનો સરકારનો ઇરાદો છે. આગામી જાન્યુઆરી 2022થી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને કમિશનનો વધારો આપવામાં આવશે.

સસ્તા અનાજની દુકાનોએથી અત્યાર સુધી ગરીબ પરિવારોને કપાસિયા અને પામોલીન તેલ આપવામાં આવતું હતું પરંતુ હવે આ પરિવારોને સસ્તુ સિંગતેલ પણ મળશે. રેશનિંગ કાર્ડથી ગરીબ પરિવારો અન્ય ખાદ્યતેલની સાથે સિંગતેલ પણ મેળવી શકશે. આ સાથે રાશનમાં હવે મગ અને ચણાની દાળ પણ આપવામાં આવનાર છે. ટૂંકસમયમાં આ ફેરફારની જાહેરાત થવા સંભવ છે. ગુજરાતમાં એએવાય યોજના હેઠળ 812712 પરિવારો છે જેની વસતી 36.60 લાખ છે. બીપીએલ યોજનામાં 2536115 પરિવારો છે જેની વસતી 1.34 કરોડ છે. એપીએલ-1માં 3751840 પરિવારો છે જેની વસતી 1.73 કરોડ છે જ્યારે એપીએલ-2માં 4204 પરિવારો છે જેની વસતી 19000 છે. આમ કુલ 7104971 પરિવારોની 3.45 કરોડ વસ્તીને રાશનનું અનાજ અને કરિયાણું આપવામાં આવે છે.