ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી, 5 અને 6 તારીખે આ વિસ્તારોમાં માવઠું પડશે

6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


રાજ્યમાં ફરી એકવાર માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 5 અને 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદ પડશે. 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. ફરી એકવાર માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડીગ્રી નીચું જવાની શક્યતા છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે, જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે, સાથો સાથ લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો હતો. 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા છે. જોકે અમદાવાદમાં વાતાવરણ વાદળીયું રહેવાની શક્યતા છે. બીજી તરફ, ખેડૂતોને શિયાળુ પાકની ચિંતા છે. વારંવાર માવઠું થવાથી પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે.

ચાર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ફરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદનું મહત્તમ તાપમાનમાં 1 ડીગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4.5 ડીગ્રી અને શનિવાર કરતાં દોઢ ડીગ્રી વધીને 16.5 નોંધાયું હતું.12 શહેરમાં ગરમીનો પારો વધીને 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સુરત, વલસાડ અને મહુવા રાજ્યના સૌથી ગરમ અને નલિયા 10.1 ડીગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. રાજ્યનાં અન્ય તમામ શહેરોમાં ગરમીનો પારો 26થી 29 ડીગ્રી વચ્ચે નોંધાયો હતો.