ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી, 13 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડી પડશે, 18મીથી ફરી માવઠું થશે

આ સાથે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે અને કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 13 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ ખેડૂતો   માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલના દાવા પ્રમાણે 18 જાન્યુઆરી, 19 જાન્યુઆરી અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતી છે. એટલું જ નહીં, અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી જોરદાર ઠંડી પડશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે અને કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. નોંધનીય છે કે, ગત રાત્રિએ અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 6.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 7 અને અમદાવાદમાં 9.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો.


અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

હવામાન ખાતાની આગાહી મુજબ સોમવાર અને મંગળવારે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં શીતલહેર જોવા મળશે જેથી લોકોને સાચવવાની અપીલ કરી છે. રવિવારની રાતે નલિયા, ગાંધીનગર,અમદાવાદ ઉપરાંત અમરેલી, વડોદરા, જુનાગઢ, ડીસા, પાટણ, પોરબંદરમાં પણ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.'


માઉન્ટ આબુમાં શિયાળાની ઋતુમાં ફરી એકવાર તાપમાન નીચું જતા માઈનસ બે ડિગ્રી તથા ગુરુ શિખરમાં માઈનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આબુની ધરતી પર બરફની પાતળી ચાદર છવાયેલી જોવા મળી રહી છે. હિલ સ્ટેશનના વાતાવરણથી સહેલાણીઓને મઝા પડી હતી. અતિશય ઠંડીના લીધે માઉન્ટ આબુમાં દર વરસે દોઢથી બે મહિનાનું વિન્ટર વેકેશન આપવામાં આવે છે.