આનંદો@ગુજરાત: રાજ્યને મળશે ત્રીજી વંદે ભારત ટ્રેન, અમદાવાદ-જામનગર વચ્ચે આ તારીખથી શરૂ થઇ શકે
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેન મળી શકે છે. અમદાવાદ-જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે. આ ટ્રેનનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું છે. 24 સપ્ટેમ્બરથી અમદાવાદ-જામનગર વચ્ચે ટ્રેન શરૂ થઇ શકે છે. 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી ટ્રેનને પ્રસ્થાન કરાવે તેવી સંભાવના આપી છે. ગુજરાતમાં અત્યારે ગાંધીનગરથી મુંબઇ અને અમદાવાદથી જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે પોતાના ગુજરાત પ્રવાસમાં નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડી રહી છે. વંદે ભારત ટ્રેન અમદાવાદથી ઉપડીને રાજકોટમાં રોકાશે અને તે પછી જામનગર પહોંચશે. આ રૂટ પર જો ટ્રેનને ટ્રાફિક મળ્યો તો વંદે ભારત ટ્રેનની ફ્રિકવન્સી વડોદરા સુધી પણ વધારવામાં આવી શકે છે.
ભારતની ટ્રેનોમાં એન્જિનનો એક અલગ કોચ હોય છે પરંતુ વંદે ભારત ટ્રેનમાં મેટ્રો ટ્રેન જેવું એક જ એન્જિન હોય છે. ટ્રેન 100 કિલોમીટરની સ્પીડ 52 સેકન્ડમાં પકડી લે છે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા લાગેલા છે. આ ટ્રેનમાં ભોજન અને નાશ્તો પણ આપવામાં આવે છે જેની કિંમત ટિકિટમાં સામેલ હોય છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેનને ઓનબોર્ડ વાઇફાઇની સુવિધાથી લેસ બનાવવામાં આવ્યું છે. સાથે જ દરેક સીટ નીચે મોબાઇલ અને લેપટોપ ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેનમાં GPS પ્રણાલી લાગેલી છે, જેના માધ્યમથી આવનારા સ્ટેશન અને અન્ય સૂચનાઓની જાણકારી મળે છે.