ચોંક્યાં@દેશ: નકલી PMO અધિકારી બની ગુજરાતી ઠગ Z+ સિક્યોરિટી સાથે જમ્મુ-કાશ્મીર ફર્યો, અંતે ધરપકડ

 
Jammu Kashmir

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ-કાશ્મીરના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતવાની ઘટનામાં ગુજરાતી ઠગ કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની વિગતો મુજબ કિરણ પટેલની જમ્મુ-કાશ્મીરની શ્રીનગર પોલીસે ધરપકડ કરી છે. કિરણ પટેલ પર આરોપ છે કે, તેણે ખોટી ઓળખ આપીને સરકારી બાબુઓને ઉલ્લુ બનાવ્યા હતા. કિરણ પટેલ વિરૂદ્ધ શ્રીનગર પોલીસે છેતરપિંડી સહિત કાયદાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી આરંભી છે.

વિગતો મુજબ આરોપી કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં PMOના અધિકારીની ઓળખ આપીને સરકારી કર્મચારીઓને છેતર્યા હતા. એટલું જ નહીં આ ઠગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ખાસ વાત એ છે કે, આરોપી કિરણે PMO ઓફિસના નામે પોલીસ પ્રોટેક્શન અને ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવી હતી, તો ફાઈવ સ્ટાર હોટલના રૂમની બહાર પોલીસ પણ ઊભી રાખી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તેણે શ્રીનગરના લાલચોક અને ગુલમર્ગની પણ મુલાકાત લીધી. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ આરોપી કિરણ પટેલ ગયા વર્ષના ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે હતો. ધરપકડ કરવામાં આવે તે પહેલા કિરણે ઉરીની કમાન પોસ્ટથી, નિયંત્રણ રેખાની નજીક, શ્રીનગરના લાલ ચોક સુધી પોલીસ પ્રોટેક્શનમાં ફરી આવ્યો હતો.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર CIDને કેટલાંક ઇનપુટ મળ્યા હતા. જેમાં ખોટી ઓળખ આપીને ફરતા અધિકારીના ઈનપુટ આધારે શ્રીનગર પોલીસને કિરણ પટેલની અટકાયત કરી હતી. તપાસ કરતા કિરણનું કારસ્તાન ખુલ્લુ પડ્યું હતું અને હોટલમાંથી જ કિરણ પટેલની ધરપકડ કરી લેવાઇ હતી. સૂત્રોનું માનીએ તો ગુજરાત પોલીસની એક ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. મહત્વપૂર્ણ છે કે, કિરણ પટેલ પર અગાઉ અમદાવાદમાં છેતરપિંડીના આક્ષેપો થઈ ચૂક્યા છે.

આ તરફ સુરક્ષામાં ઘોર બેદરકારી સામે આવતા જ હવે હાઈ-લેવલની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કેમ કિરણ પટેલને અધિકારીઓ સહિત સુરક્ષા વિભાગો ઓળખી ન શક્યા. કેમ સુરક્ષા દળો સહિત અધિકારીઓ કિરણ પટેલના ઝાંસામાં આવી ગયા. PMOનું નકલી ઓળખકાર્ડ બનાવ્યું હતું તો કેમ તેની પણ તપાસ ન કરવામાં આવી. જો કોઇ મોટા આતંકવાદી હુમલાને અંજામ મળ્યો હોત તો ?